કોંકણના બે અનમોલ રતન : ગણપતિપુળે અને વેલ્લણેશ્વર
You can visit my Vlog : Pagdandi-Ganpatipule
ફરવાનો શોખ તો સૌને હોય જ છે પણ પહેલા ભણતર પૂરું કરવાની પ્રાથમિકતા અને પછી નોકરીમાં જવાબદારી ની પ્રાથમિકતા આ શોખ ને હાલરડું ગાઈ ને સુવડાવી દે છે અને જયારે ફરવા જવા માટે સમય મળતો થાય ત્યારે જે તે સ્થળ ને પૂર્ણતા થી પામવા માટેની ઉર્જા ઘણુંખરું કરી ને ક્ષય પામી ચુકી હોય છે. ખરેખર, મનુષ્ય ભૌતિક જીવન ચક્ર ની એવી જાળમાં ફસાઈ જાય છે કે સ્વ ને પામવા નો રસ્તો જડ્યો જડે નહિ. તત્વજ્ઞાન ને હાલપૂરતું બાજુ એ મુકીએ, બાકી તમને લાગશે કે આ કોઈ ખોટો બ્લોગ વાંચવા બેસી ગયા.
ભારત દેશ વિવિધતા નો દેશ છે. અહી હિમાલય ની વાદીઓ માં સફેદ રૂ ની પૂણી જેવો બરફ તો રાજસ્થાન નું સોનેરી ચળકતું થાર નું રણ તો વળી કચ્છ માં સફેદ રણ ની ક્ષિતિજહીન ચાદર. અહી બારમાસી જંગલો થી લઇ પાનખર જંગલો નું જાળું વણાયેલું છે. અહી ખળ ખળ વહેતી નદીઓ થી લઇ ઉફળતા મોજા સાથે ના સમુદ્ર નું સૌન્દર્ય પથરાયેલું છે. આટલું વૈવિધ્ય દુનિયા ના કોઈ દેશ કે પ્રદેશ માં નથી એ વાત યાદ રાખજો. આથી હું ઇચ્છુ છુ કે સૌથી પહેલા મારા દેશને ઓળખું. મેં છેલ્લા ૯ વર્ષ થી એક પ્રથા સ્વયમશિસ્તતા થી જાળવી રાખી છે કે શિયાળા અને ઉનાળામાં મહિના માં ઓછા માં ઓછુ એક વાર અને ચોમાસા માં દર અઠવાડિયે, આસપાસ ના કે દુર ના, જોયેલા કે ના જોયેલા, પ્રવાસી ઓ થી ભરપુર કે પછી પ્રવાસી ઓ તો ઠીક મોબાઈલ નો ટાવર પણ દુર દુર સુધી જોવા ના મળે એવી જગ્યા ઓ એ જઈ મન પ્રફુલ્લિત કરવું અને થોડા માં ઘણું જીવી લેવું અને પ્રકૃતિને ખુલ્લા મન થી માણવી. પ્રવાસી જીવ તો ખરો જ પણ લોકો સુધી મારા પ્રવાસ ને પહોચતો કરવો એ મને વધારે ગમતું કામ છે.
હાડ થીજાવતો શિયાળો હોઈ, ધોમધખતો ઉનાળો હોઈ કે પછી બારેમેઘ ખાંગા થઇ ને વરસતું ચોમાસું, એક જગ્યા હમેશા પાણી થી તરબર રહે છે અને એ છે સમુદ્ર. અફાટ જળરાશી વડે ઘૂઘવતો સમુદ્ર અને સમુદ્ર તટ ની સુંદરતા બારેમાસ તમને મોહક જ લાગશે. ભારતના લગભગ ૭૫૦૦ લાંબા સાગર કિનારે કોઈ પણ જગ્યા એ ચાલ્યા જાઓ, તમને મળશે એક બીજા થી અલગ સમુદ્રતટ અને એક નવો જ રોમાંચ. આવો જ એક સુંદર સમુદ્ર તટ મહારાષ્ટ્ર ના કોંકણ પ્રદેશ માં રત્નાગીરી જીલ્લા માં આવેલો છે જે સ્વયમ ગણપતિ ને પણ એટલો પ્રિય છે કે એણે પોતે કાયમ માટે ત્યાં વસવાટ કરેલો છે, અને મહારાષ્ટ્ર ની લગભગ ૭૦૦ કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટી માં સૌથી નયનરમ્ય સાગરકિનારો કહી શકાય એવું સ્થળ એટલે – ગણપતિપુળે. કોંકણ પ્રદેશ માં એક એક થી ચડિયાતા સ્થળો અને સમુદ્રકિનારા છે જેમાં સૌથી સુંદર કહી શકાય એવો કિનારો એટલે ગણપતિપુળે અને વધુ સુંદર છે આ સ્થળ સુધી પહોચવાની યાત્રા.
આ જગ્યા ની મુલાકાત આમ તો કોઈપણ ઋતુ માં કરી શકાય અને દરેક ઋતુ માં આ જગ્યા તમને મનમોહક જ લાગશે. પરંતુ ખાસ કરીને ચોમાસામાં રત્નાગીરી આસપાસ નો વિસ્તાર લીલીછમ ચાદર વડે ઢંકાય જાય છે. પશ્ચિમ ઘાટ ની સહ્યાદ્રી પર્વતમાળા ની પશ્ચિમે આવેલો આ વિસ્તાર અહી ની આવી જ હરિયાળી થી સજેલી શ્રુષ્ટિ માટે ખુબ જ મનમોહક અને રમણીય બની રહે છે.
આવી જગ્યા એ ફરવા માટે પોતાનું વાહન હોઈ તો સફર માં ચાર ચાંદ લાગી જાય એમાં બેમત નહિ. જ્યાં ઉભા રહેવા નું મન થાય, ત્યાં વાહન થોભાવીને બે ક્ષણ પ્રકૃતિ ના નયનરમ્ય સ્વરૂપ ને નિહાળવાની, એ ક્ષણ ને કેમેરા માં કંડારી લેવાની તલપ જ કઈક અનોખી બની રહે છે.
ઘણા વખત પહેલા, મારા ખ્યાલ મુજબ લગભગ ૨૦૧૩ કે ૨૦૧૪ માં મહારાષ્ટ્ર ના પ્રવાસન વિભાગ ના એક કાર્યક્રમ માં ગણપતિપુળે, વેલ્લણેશ્વર, હરિહરેશ્વર, શ્રીવર્ધન, તર્કર્લી જેવા અદભૂત અને ઐતિહાસિક સ્થળો વિશે જાણ્યા બાદ મને પણ આ જગ્યા એ જવાની તલપ લાગેલી. એ તરસ છેવટે ૪-૫ વર્ષના લાંબા સમયગાળા પછી ૨૦૧૮ ના જુન મહિના માં છિપાણી. કારણ હતું: બધા પરિવારજનો ને રજા નો મેળ અને હોટેલ્સ માં રૂમ્સની ઉપલબ્ધતા. સ્થળની પસંદગી એવી કરવાની હતી કે ફરવાની દ્રષ્ટિ એ પણ ગમે અને ધાર્મિક રીતે પણ સ્થળ મહત્વ નું હોય. આવું સ્થળ ગણપતિપુળે સિવાય બીજું કયું હોઈ.
કોંકણ – ચોમાસા નું સ્વર્ગ:
પ્રકૃતિનું કઈક નવું સ્વરૂપ જોવા અને નવો અનુભવ મેળવવાની આશા સાથે અમે, અમારી SUV લઇ ને નીકળી પડ્યા. વડોદરા થી શુક્રવારે સાંજે ૬એક વાગે નીકળી અમે જુના ગીતો ને સથવારે, કામરેજ ટોલ પ્લાઝા પાસે સાંજ નું ભોજન લઇ રાત્રે લગભગ દસેક વાગ્યા ની આસપાસ વાપી પહોચ્યા. અમારા કોઈપણ પ્રવાસો માટે અમે એક પ્રથા કહી શકાય એવી ગોઠવણ કરી છે કે વડોદરા થી સાંજે નીકળી ૪-૫ કલાકની યાત્રા કરી જેતે સ્થળે પહોચી ત્યાં રાતવાસો કરી વહેલી સવારે આગળ ની યાત્રા કરવી જેથી સમય નો સદુપયોગ થાય અને યાત્રા માં પૂરતા પ્રમાણ માં આરામ મળી રહે. શનિવારે વહેલી સવારે યાત્રા નો આગળ નો તબક્કો શરુ કર્યો જેમાં રસ્તા માં આવતા વિવિધ ઝરણા, નદીઓ, પર્વતો સાથે વાતો કરતા કરતા અમે ગુજરાત છોડી મહારાષ્ટ્ર માં દાખલ થયા અને મોબાઈલ નામ ના રમકડામાં પણ “વેલકમ ટુ મહારાષ્ટ્ર” જેવા સંદેશા ટપકી પડ્યા. વાપી પછી ના રસ્તાની યાત્રા, પોતાના માં એક અલગ જ અનુભવ ની છાપ છોડે છે. રસ્તાની બધી બાજુ એ ઊંચા ડુંગરો, ડુંગર ની ઓથે ઉપર ચડતા, હાલતા ને ચાલતા વાદળો, ક્યારેક પર્વતને ઢાંકીદે તો ક્યાંક એકદમ નીચે આવી પર્વત ની તળેટી ઢાંકી દે અને જાણે એ પર્વત હવા માં અદ્ધર તરતો હોઈ એવું લાગે. અને હાઇવે જાણે અડગ પર્વતને ચીરતો આગળ વધતો હોઈ તેવું સતત લાગ્યા કરે. ચોમેર હરિયાળી ધરતી ની સાથે સાથે પુરપાટ કાર હંકારવાનો રોમાંચ ચરમસીમા એ પહોચે અને થોડી ક્ષણ માટે કાચ ઉતારી પામી શકાતો વાતાવરણ ની ગુલાબી ઠંડકનો એ અનુભવ, પ્રવાસ ને સોનેરી અક્ષરો થી યાદગાર બનાવી દે. આવો સરસ મજાનો અવિસ્મરણીય અનુભવ લેતા લેતા અમે વાયા મુંબઈ પુને એક્સપ્રેસ વે પર ખાલાપુર ટોલપ્લાઝાથી પાલી ના રસ્તે આગળ વધ્યા. અહી પાલી ખાતે અષ્ટવિનાયક ગણપતિઓ મા ના એક શ્રી બલ્લાલેશ્વર ગણપતિજી ના દર્શન નો લહાવો લીધો તેમજ પ્રસાદી ભોજન નો લાભ લઇ અને નાગોથાણે તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૬ સાથે સંમિલિત થવા આગળ વધ્યા.
અહી થી માણગાવ-મહાડના રસ્તે અમે આગળ વધ્યા. મહાડથી ૨૫ કિલોમીટર દુર આવેલો છે મરાઠા સામ્રાજ્ય ના ભવ્ય ભૂતકાળ નો સાક્ષી એવો રાયગઢ કિલ્લો જે સતત ૩૦ વર્ષ સુધી છત્રપતિ શિવાજી ના સમય (ઈ.સ. ૧૬૫૨) ની મરાઠા સામ્રાજ્ય ની રાજધાની અને સત્તા નું કેન્દ્ર રહ્યો. આ કિલ્લા વિશે વિગતવાર વાત ફરી ક્યારેક કરીશું. મહાડમાં રાત રોકાઈને ચોમાસા ના ભરપુર વરસાદ નો લહાવો લીધો.

કોંકણ અને ચોમાસું : શ્રીરામ નો ભરતમેળાપ (Picture by : Aditya Desai)
બીજે દિવસે એટલે કે રવિવારે અમે યાત્રાને આગળ ધપાવી અને ધોધમાર વરસાદ આગળ અમારી વાટ જોતો ઉભો હતો, જાણે કોઈ મુસાફર ગંતવ્ય સ્થાન પર પહોચવા બસ કે ટ્રેન ની વાટ ના જોતો હોઈ!!! ચારે તરફ વરસાદી માહોલ જામ્યો હોઈ અને એવા ખુશનુમા વાતાવરણ માં આપણી મુસાફરી ધીરે ધીરે આગળ વધતી હોઈ ત્યારે સ્વદેશ પિક્ચર નું પેલું ગીત યાદ આવ્યા વગર રહે નહિ. “યુ હી ચલ આ, ચલ એ રહી, યુહી ચલ આ. કિતની હસીન હૈ યે દુનિયા…” ખરેખર આપણી આસપાસ ની દુનિયા કેટલી રંગીન, વિવિધ વેશભૂષા થી સજ્જ અને ખુલ્લા હૃદયે આવકાર આપનારી છે એ તો આવો કોઈ પ્રવાસ ખેડો ત્યારે ખબર પડે. મહાડ થી પોલાદપુર થઇ કશેડી ઘાટ નામ ના અત્યંત સોહામણા અને નયનરમ્ય ઘાટ પરથી પસાર થઇ અમે ચિપલુણ તરફ આગળ વધ્યા. મહારાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદ પડ્યા પછી જો તમે પ્રવાસ અર્થે નીકળો તો તમને અનેક સુંદર અને રમણીય ઘાટો જોવા મળશે જે તમારી યાત્રાને અનેક યાદોથી ભરી દેશે, તેમાં પણ જો તમે તમારી કાર લઇને પ્રવાસે નિકળ્યા હોવ તો આ યાત્રામાં તમે અનેક ન ભૂલી શકાય તેવી ક્ષણોને તમારી યાદોમાં સમાવી શકો છો. કશેડી ઘાટ એ મહારાષ્ટ્ર ના સૌથી જોખમી ઘાટમાનો એક છે. ભારત હોય કે પછી વિશ્વનો અન્ય કોઇપણ પ્રદેશ કારચાલક રસિકોને (કે પછી મારા જેવા સાહસિકોને) એવા રસ્તા ચોક્કસપણે મળી જશે જ્યાં ભરપુર સાહસની સાથોસાથ પ્રકૃતિની આહલાદકતા ને માણવાનો લ્હાવો પણ મળી રહે. કશેડી ઘાટ એવો જ એક અપ્રતિમ સૌદર્ય અને સાહસિક વણાંકો થી ભરેલો ઘાટ રસ્તો છે. આ રસ્તે કુદરત ના સાનિધ્યને માણતા માણતા અમે વાયા ખેડ ચિપલુણ પહોચ્યા.
કશેડી ઘાટ નું અપ્રતિમ સૌદર્ય (Image soured : Google)
ખેડ પાસે હનુમાન ટેકરી નામની જગ્યા એ થી જોવા મળતું દ્રશ્ય કઈક આવું હોઈ. (Picture by : Aditya Desai)
આ વિસ્તાર ની અદભૂત સુંદરતાએ મારું મન મોહી લીધું અને મેં કોંકણ વિસ્તાર માં ચોમાસા દરમ્યાન એક વખત તો પ્રવાસ કરવો જ એવી નેમ લઇ લીધી. સહ્યાદ્રી પર્વતમાળા માં સાપુતારા થી લઇ કેરળ સુધી તમે પ્રવાસ કરો અને કુદરત ના વખાણ કરો એ બંને ક્રિયાથી પણ થાકો નહિ એની ગેરંટી. જૈવ વિવિધતા એટલે કે Bio-Diversity થી ખદબદતો આ પ્રદેશ એટલો વિશાળ છે કે હજી સુધી કાયમી પ્રવાસીઓ થી અલિપ્ત છે અને એ જ સારું છે હું તો કહું.
કાર ના પ્રવાસ માં વારંવાર થોભવા નું મન થાય અને કચકડે કંડારી લેવાનું મન થાય એવા વોલપેપર જેવા દ્રશ્યો સતત તમારી આંખ સામે આવ્યા કરે. ક્યારેય ભૂલાય નહિ એવા દ્રશ્યોને મગજ ના લોંગ ટર્મ મેમરી વાળા ખૂણે સગ્રહી અમે ગણપતિપુળે તરફ સફર ને આગળ વધારી. રસ્તા માં કોંકણ રેલ્વે ના ઊંચા પુલ અને ટ્રેક સફારીના લેખ ની યાદ અપાવી ગયા. ખરેખર મોઢા માં આંગળા નાખી જવાય એવી ઈજનેરી અજાયબી જેવા આ ટ્રેક નો છાશવારે ભેટો થયા કરે.
જેમ જેમ ગંતવ્ય સ્થાન નજીક આવતું ગયું એમ એમ અમારી ઉત્સુકતા માં વધારો થતો ગયો. ઉત્સુકતા નું કારણ એ હતું કે ગણપતિપુળે માત્ર ૧૪ કિલોમીટર દુર હતું છતાં અમે હજી પર્વતો ની ઉપર હિલ સ્ટેશન જેવા પર્વતીય મેદાન પ્રદેશ માં ફરતા હતા. દુર દુર સુધી દરિયાદેવ ની ઝલક નહોતી મળતી. અને વધુ આશ્ચર્ય એ હતું કે સમુદ્રકિનારે થી અમે હવે માત્ર ૪ કિલોમીટર દુર હતા છતાં સમુદ્ર સપાટી થી ૧૫૦ મીટર જેવી ઉંચાઈ પર કાર હંકારી રહ્યા હતા. અચાનક એક ટેકરી પર થી વણાંક લેતા ની સાથે જ સામે નું દ્રશ્ય અચંબો પમાડી ગયું. ૧૫૦ મીટર જેવી ઉંચાઈ થી સામે સાક્ષાત વરુણદેવ ના દર્શન. એ દ્રશ્ય ખરેખર લાખો મેં એક જેવું દ્રશ્ય હતું. આટલું વિહંગમ દ્રશ્ય ભાગ્યે જ કોઈ જગ્યા એ જોવા મળે, જ્યાં પર્વતો ની પેલી બાજુ એ સમુદ્ર જોવા મળે. ૩-૪ સતત “હેરકલીપ” વણાંક લઇ રસ્તો સમુદ્ર સપાટીને લગોલગ આવી જાય છે. સાંજ ના ૪ વાગ્યા હતા અને સરસ મજા નો ઠંડો પવન, લહેરાતા સમુદ્ર ના મોજા અને કિનારા સાથે અફળાય ત્યારે થતો ઘુઘવાટ પ્રવાસના અનુભવને સાત માં આસમાને લઇ ગયો હતો. રિસોર્ટ પર પહોચી અમે સામાન મૂકી ને પહોચ્યા ગણપતિજી ના દર્શને.
આટલું વિહંગમ દ્રશ્ય ભાગ્યે જ કોઈ જગ્યા એ જોવા મળે, જ્યાં પર્વતો ની પેલી બાજુ એ સમુદ્ર જોવા મળે. (Image source : Google)
સ્વયમ ગણપતિનો મનપસંદ સાગરકીનારો : ગણપતિપુળે
ગણપતિપુળેની ગણેશ મૂર્તિ સ્વયંભુ છે, એટલે એમ કહી શકાય કે આ સ્થળની સુંદરતાએ ગણેશજી ને અહી વસવા પ્રેરણા આપી હશે. અહી મરાઠી માં पुळे શબ્દ નો અર્થ રેતીનો ઢુવો અથવા સફેદ રેતી નો ઢગલો થાય છે અને સફેદ ચાંદી ની માફક ચળકતી રેતી ના આ સુંદર અને રમણીય સાગરતટ પર એક વાર આવો એટલે વારંવાર અહી આવવા નું મન થયા વગર રહેશે નહિ. લોકવાયકા મુજબ કોઈ સ્ત્રીએ કરેલા ટોણા ને કારણે ગણેશ તેના જુના સ્થળ ગણેશગુલે થી અહી આવી વસ્યા અને ગણપતિપુળે પ્રખ્યાત યાત્રા ધામ બન્યું. જોકે ઈતિહાસ ની દ્રષ્ટી એ જોઈએ તો પશ્ચિમ દ્વાર ના દેવતા કહેવાતા ગણપતિજીનું આ મંદિર લગભગ ૪૦૦ વર્ષ જુનું છે અને છત્રપતિ શિવાજી મહારાજે આ મંદિરના ગર્ભગૃહ ની સ્થાપના કરી હતી અને સભામંડપ માધવરાવ પેશ્વા દ્વારા બનાવાયું છે. મંદિર ની વિશેષતા એ છે કે મંદિર એકદમ સમુદ્ર તટને અડી ને આવેલું છે. મંદિર ના દર્શન કરી અમે સમુદ્રતટ પર ગયા અને હળવા વરસાદ ની સાથે વાતાવરણ ના એક અનોખા જ મિજાજ નો આસ્વાદ માણ્યો અને સુર્યાસ્ત નો અદભૂત નજારો અને એ યાદગાર ક્ષણ આંખો માં ભરી રિસોર્ટ ખાતે રવાના થયા.
કોંકણ તટ પર છુપાયેલ રત્ન સમાન આ સમુદ્ર તટ શાંતિ અને પ્રકૃતિ ની સમીપ રહી રજા માણવાનું ઉત્તમ સ્થળ છે. વળી માત્ર ધાર્મિક હેતુ થી આવતા મોટા ભાગ ના પ્રવાસીઓને કારણે તેનું કુદરતી સૌંદર્ય પણ અકબંધ છે. ભૂરી ઝાંય વાળું અખૂટ પાણી ધરાવનાર અફાટ સમુદ્ર, ઉછળતા અને ઘૂઘવતા મોજાં અને દરિયાકિનારા ની સફેદ ચમકતી રેતી તમને કોઈ વિદેશના સમુદ્રતટ પર હોવાનો અનુભવ કરાવે છે, જાણે કોઈ હોલીવુડ ફિલ્મ જોતા હોવ એવું દ્રશ્ય ખુબ આકર્ષક અને મનમોહક લાગે છે. અહી રહેવા માટે ઉત્તમ પ્રકાર ના બીચ વ્યુ રિસોર્ટ આવેલા છે, જ્યાંથી ગેલેરી માં બેસી સમુદ્રને બસ જોયા જ કરવાનું અને એના ઘૂઘવતા અવાજને સાંભળ્યા કરવાનું મન થાય. ક્યાં કોન્ક્રીટ ના જંગલો ની વચ્ચે વાહનો નો શોરબકોર અને ક્યાં અખૂટ જળભંડાર ની અને હરિયાળી ટેકરીઓ ની વચ્ચે સમુદ્રીમોજા નો ઘુઘવાટ…!!!

ગણપતિપુળે-સ્વયમ ગણપતિને પ્રિય સમુદ્રતટ (Image source : Nakshatra Resorts)
ભીડભાડ વગરની આ જગ્યાએ વિશાળ દરિયાને તમે ખૂબ શાંત વાતાવરણ વચ્ચે માણી શકશો તેમજ પ્રત્યેક મોજા ને ભરપુર માંથી માણી શકશો. ગણપતિપુળે એવા લોકો માટે ઉત્કૃષ્ટ સ્થળ છે જેઓ વીકએન્ડમાં ફરવા સાથે આરામ પણ કરવા માગે છે. જ્યાં જ્યાં નજર ફરે ત્યાં બસ હરીયાળી જ હરિયાળી અને પાણી જ પાણી. અહી બીચ પર તમને અનેક વોટર એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ પણ ઉઠાવવા મળશે. પેરાગ્લાઇડિંગની અને મોટર ગ્લાઈડિંગની પણ સુવિધા અહી છે. અહીની નૈસર્ગિક સુંદરતા અને રમણીય સાગરતટ ની સાથોસાથ સ્વયંભુ ગણેશ નું સાયુજ્ય પ્રકૃતિપ્રેમી અને ગણેશ ભક્તોને પોતાની તરફ ખેંચે છે. બોલો હવે, રજા માણવા માટે આના થી વિશેષ સ્થળ કયું હોઈ!!! ગણપતિપુળે માં કોંકણી ભોજન તેમજ રહેણીકરણી અનુભવવા ની તક મળે છે. રહેવા માટે ના રિસોર્ટસ કોંકણી પ્રકારના બાંધકામ વાળા ઓરડાઓ ધરાવે છે, જેમાં તમને રોકવાનો આનંદ મળશે. તો અહીંની પ્રખ્યાત કેરીની રોટલી જેને આંબાપોળી કહે છે તેમજ ફણસની રોટલી જે ફણસપોળી કહેવાય છે તેના સ્વાદનો ચટાકો પણ કરી શકાય છે. તદુપરાંત અહીનું એક વિશેષ પીણું જે સોલ કઢી થી ઓળખાઈ છે તે કોકણી કોકમ કઢી ચોક્કસથી પીવા જેવું પીણું છે. જો સમુદ્રી ભોજન નો આસ્વાદ તમારી જીભને લલચાવતો હોઈ તો અહી તમને ફરવા સાથે જમવા ની પણ મજા આવે એની ગેરંટી. ગણપતિપુળે જૈવવિવિધતા માટે પણ પ્રખ્યાત છે, જેમાં સમુદ્ર કિનારે મેન્ગ્રોવ ના વૃક્ષ તેમજ હરોળબંધ નાળીયેરી જોવા મળે છે.
રાત્રે સોલ કઢી નો સ્વાદ માણી ઘૂઘવતા સમુદ્રને કિનારે ચાંદની ની ઓથે અમે એક યાદગાર દિવસ પૂરો કર્યો. સોમવારે સવારે અહી થી આજુબાજુ ની જગ્યા ઓ જોવા ઉપડ્યા. પ્રાચીન કોંકણ નામનું સંગ્રહાલય જોવાલાયક છે જે કોંકણી જીવનશૈલી તેમજ કોંકણ ના ઈતિહાસ અને પ્રકૃતિ ને ખુબ નજીક થી દર્શાવતું એક અદ્ભુત સંગ્રહાલય છે. અહી નજીક માં ઉત્તર તરફ જયગઢ કિલ્લો આવેલો છે જે દરિયા કિનારે આવેલો 16મી સદી માં બીજાપુર ના રાજા દ્વારા બાંધવામાં આવેલો કિલ્લો છે. ઇસ 1818 માં બ્રિટીશરો દ્વારા આસાની થી કબજે કરાયેલો આ કિલ્લો ભલે આજે ખંડીયેર હાલત માં હોય પણ સ્વમાનથી અરબી સમુદ્ર ની સમક્ષ ઈતિહાસ નો મુક સાક્ષી બનીને ઉભો છે. શાસ્ત્રી નદી અહી અરબી સમુદ્ર ને મળે છે જેનું વિહંગમ દ્રશ્ય જોવાલાયક છે. અહીથી બીજા કાંઠે જવા ફેરી સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અમે લોકો જુન મહિના માં ગયા હોવાથી ફેરી સર્વિસ બંધ હતી જે સામાન્યતઃ ચોમાસા ના દિવસો દરમ્યાન બંધ રહે છે કેમકે સમુદ્ર નો મિજાજ આ દિવસો માં અલગ જ હોય છે.
કોકણનો છુપો ખજાનો : વેલ્લણેશ્વર સમુદ્રતટ
ગણપતિપુળે ની નજીક ના સ્થળો માં મુખ્ય, ગણપતિપુળે જેવો જ પણ પ્રવાસીઓ અને ધંધાકીય પ્રવાસન થી સાવ અલિપ્ત એવો સમુદ્ર તટ છે : વેલ્લણેશ્વર. એકાદ કલાક ના અંતરે ઉત્તર તરફ આવેલી આ જગ્યા બિલકુલ વણખેડાયેલી તેમજ અર્વાચીન પ્રવાસન થી જોજન દુર છે. અહી તમે નીરવ શાંતિ ની સાથે સાથ સોળે કળા એ ખીલેલી પ્રકૃતિને સમીપ થી નિહાળી તેમજ માણી શકો છો. રહેવા માટે મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગ દ્વારા એક ઉંચી ટેકરી પર બાંધવામાં આવેલ રિસોર્ટ ઉત્તમ અને મોકાનું સ્થળ છે. અહી વિતાવેલી રજા નો દિવસ જીવનભર નું સંભારણું બની રહે એમાં તો નવાઈ નહિ જ, પણ વારંવાર અહી આવવા પ્રેરે એવું પ્રબળ પ્રેરકબળ બની રહે. અહીનું એક દિવસ નું રોકાણ તમને એક નવો જ જુસ્સો, નવી જ તાજગી અને નવી જ ઉર્જા પ્રદાન કરે છે. સવારે ઉઠતા વેંત સામે દેખાતો ઘૂઘવતો સમુદ્ર અહીં જ કાયમ વસવા પ્રેરે છે. કાન માં અફળાતો દરિયા નો અવાજ અને શરીર ને અથડાતો ચોમાસા નો ઠંડો પવન એક નવીજ તાજગી નો ઉમેરો કરે છે. રજા ના દિવસો માં ઘરમાં દિવસ ક્યાં પસાર થાય એવા સવાલ સાથે બેસી રહેવા કરતા અહીં બેસો તો ક્યારે દિવસ પૂરો થાય એની ખબર પણ ના પડે.
ટેકરી પર સ્થિત MTDC રિસોર્ટના કોંકણી મકાન જ્યાંથી હરપળ દ્રશ્યમાન છે ઘૂઘવતો અરબી સમુદ્ર (Picture by : Aditya Desai)
ભીડભાડ થી દૂર અને ભરપૂર લીલીછમ વનરાજી વડે આચ્છાદિત ડુંગરો અને તેની પાછળ થી ડોકિયાં કરતો સમુદ્ર એ કેટલું સુંદર મનોરમ્ય દ્રશ્ય બની રહે એ કલ્પના ને જીવંત કરવી હોઈ તો વેલણેશ્વર એ ઉત્કૃષ્ટ સ્થળ બની રહે.
અહી મહાદેવ મંદિર પણ જોવાલાયક છે. સમય બગાડ્યા વગર મનોકામના પૂર્ણ કરતા મહાદેવ એટલે વેલ્લણેશ્વર. (વેળ=સમય) મહાદેવ નું લગભગ ૫૦૦ વર્ષ જુનું મંદિર કોંકણી શૈલી થી બંધાયેલ મંદિર છે જેના પ્રાંગણ માં આવેલ દીપસ્તંભ આકર્ષક છે.
નજીક માં આવેલુ અન્ય એક સ્થળ બામણઘાલ, ટેકરી પરના ખડક માં મોટી ફાંટ વાળી જગ્યા છે જ્યાં અંદર સુધી આવતું સમુદ્ર નું પાણી અને છેક ઉંચે ઉછળતા મોજા અનોખું દ્રશ્ય ઉત્પન્ન કરે છે.
સફેદ ચાંદી જેવી રેતી વાળા સમુદ્રતટ ગણપતિપુળે અને ખડકરહિત સોનેરી રેતી વાળા સમુદ્રતટ વેલ્લણેશ્વર ની મુલાકાત લઇ, ટૂંક સમય માં જ બીજી મુલાકાત લેવાનો વાયદો કરી, અમે વાયા ચિપલુણ, ખેડ, કશેડી ઘાટ, મહાડ, પાલી થઇ સ્વગૃહે પાછા ફર્યા. કુલ ૧૫૦૦ કિલોમીટર જેવા આ પ્રવાસ માં થાક તો દુર ની વસ્તુ છે પણ સહેજે કંટાળો આવ્યો હોય એવી કોઈ ક્ષણ પણ મને યાદ નથી. એમાં પણ વળતા પ્રવાસ માં વેલ્લણેશ્વર થી શરુ થઇ મહાડ સુધી પડેલ ધોધમાર વરસાદ અને ચારે તરફ ફૂટી નીકળેલા અસંખ્ય ઝરણાઓ એ પ્રવાસ માં ઓર સુમધુર યાદોને જોડી દીધી. ખરેખર કોંકણ વિસ્તારને કુદરતે ચોમાસા નું સ્વર્ગ બનાવી દીધું છે અને એક વખત તો અહી ની મુલાકાત લેવી જ ઘટે.
એક નજર આ તરફ:
-ટ્રેન માં ગણપતિપુળે જવા રત્નાગીરી નજીક નું મોટું મથક છે. જ્યાંથી ટેક્સી તેમજ જાહેર વાહન મળી રહે છે. વડોદરા થી જમીન માર્ગે ૭૪૦ કિલોમીટર ના અંતરે સળંગ પ્રવાસ લગભગ ૧૪-૧૫ કલાક જેવો થાય છે. તેમજ મહારાષ્ટ્ર માં ગુજરાત ની જેમ થોડા થોડા અંતરે આવતા પેટ્રોલપંપ કે હોટેલ/રેસ્ટોરંટ નથી. આથી જરૂરી વ્યવસ્થા કરીને અને યોગ્ય રીતે પ્રવાસ ની ગોઠવણ કરીને નીકળવું જેથી સમયસર જે-તે સ્થળ પર પહોચી શકાય.
-રત્નાગીરી પહેલા સંગમેશ્વર પાસે થી ગણપતિપુળે નો રસ્તો અલગ પડે છે. ઘાટ જેવો આ રસ્તો પ્રકૃતિને માણવા લાયક ખરો પણ સાંકડો અને સહેજ સુમસાન છે, અને અહી વાહનો ની ખુબ ઓછી આવનજાવન રહે છે. આથી જો સમય સાંજ નો હોઈ તો આ રસ્તે જવા કરતા સહેજ આગળ જઈ નીવાલી ગામ થી રાજ્ય ધોરીમાર્ગ ૧૦૬ પર થી વાયા ચાફે થઇ ગણપતિપુળે પહોચી શકાય. પ્રવાસ નું અંતર ૨૦ કિલોમીટર અને ૧૫ મિનીટ જેટલું વધી જાય ખરું. બાકી નો મુંબઈ થી લઇ ને ગણપતિપુળે સુધી સંપૂર્ણ રસ્તો એકદમ સરસ છે.
-ગણપતિપુળે માં રહેવા માટે ઘણી હોટેલ, રિસોર્ટ આવેલા છે. બીચ રિસોર્ટ ના સી વ્યુ રૂમ્સ આ જગ્યા નો મહત્તમ લાભ લેવા માટે ઉત્તમ છે. એમ.ટી.ડી.સી. નો ગણપતિપુળે રિસોર્ટ પ્રમાણ માં જુનો છે. માટે જો પ્રવાસન વિભાગ ના રિસોર્ટ માં રોકાવું હોય તો બને તો નવું બાંધકામ કરેલ સુપર ડીલક્ષ એ.સી. રૂમ્સ બુક કરાવવા જે સુંદર છે. વેલ્લણેશ્વર ખાતે એમ.ટી.ડી.સી. ના રિસોર્ટ અને અન્ય એક ખાનગી ઉપક્રમ સિવાય બીજી કોઈ વ્યવસ્થા નથી જેથી રહેવા જમવા ની વ્યવસ્થા કરીને ત્યાં જવું. અહીના તમામ રૂમ્સ સી વ્યુ સુવિધા સાથે છે. બંને જગ્યા માટેનું આગોતરું બુકિંગ https://mtdcrrs.maharashtratourism.gov.in/Account/Login.aspx પરથી કરાવી શકાય છે.
-૨૫ મી મે થી ૧૫ ઓક્ટોબર સુધી દરિયામાં રીપ કરંટ હોવાથી નહાવા માટે સાચવવું અને બને તો ટાળવું હિતાવહ છે. પ્રકૃતિનો અનાદર ક્યારેય ના કરવો.
-જીપીએસ યુક્ત સાધનો બરોબર ચાલે છે કે નહિ તે તપાસી લેવું અને બને તો અગાઉ થી જ નકશા ડાઉનલોડ કરી રાખવા જેથી નેટવર્ક ના હોવા છતાં રસ્તો શોધવામાં આસાની રહે.
-આ વિસ્તાર માં જાહેર વાહન વ્યવહાર નો અભાવ છે અથવા ખુબ ઓછા પ્રમાણ માં છે જેથી પોતાનું વાહન અથવા ભાડે કરેલ વાહન હોવું હિતાવહ છે.
Written By : Gujju Traveler Aditya
Reach to me: 9428880282
adityackd@gmail.com
No comments:
Post a Comment