ભારતના સ્થાપત્યો વિશ્વમાં સૌથી અજોડ છે અને એનો પુરાવો વિશ્વ વિરાસત સ્થળો ના લીસ્ટ માં ભારત ૩૭ વિશ્વ ધરોહર સાથે છઠા ક્રમાંકે બિરાજમાન છે. અહી બેજોડ અને ઉમદા કળા કારીગીરીના નમુનાઓ જોઈ શકાય છે, જેમ કે તાજ મહાલ, રાણકી વાવ, ખજુરાહો, ચાંપાનેર, અજંતા ઈલોરા ની ગુફાઓ, વગેરે. આવા ભવ્ય સ્મારકો જોઈને મન માં સહેજે પ્રશ્ન થઇ ઉઠે કે સદીઓ પહેલા આટલા ભવ્ય બાંધકામ કઈ રીતે થયા હશે અને એ જ આશ્ચર્ય તમને એ મહાન સ્થાપત્યો સુધી ખેચી લાવે. આવી જ એક જગ્યા છે તમિલનાડુમાં ચેન્નાઈ પાસે આવેલી વિશ્વ વિરાસત : મમલ્લાપુરમ અથવા મહાબલીપુરમ નામે ઓળખાતું પ્રાચીન ભારતનું એક વિસરાયેલું નગર, જે તેના બેહદ રોમાંચક ઈતિહાસ અને ઉત્કૃષ્ટ કળા કારીગીરી માટે વિશ્વભર માં પ્રખ્યાત છે. ભારત ની બાકીની વિશ્વ વિરાસત થી અલગ તરી આવે છે કેમ કે અહી કોઈ એક સ્મારક કે બાંધકામ નહિ પણ પુરા વિસ્તારમાં ફેલાયેલા વિવિધ બેનમૂન સ્મારકો નો સમૂહ છે જે ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. 2004 ની ત્સુનામી પછી અહીના તટીય પ્રદેશમાં અમુક ૨૦૦૦ વર્ષ જેટલા જુના અવશેષો પણ મળ્યા છે, જે આ સ્થળની પૌરાણિકતા તેમજ મહાબલીપુરમ ના ભવ્ય ઈતિહાસ ને નજીક થી જાણવા માટે આમંત્રણ આપે છે. ઘણા સમય પહેલા તેના વિશે જાણ્યા બાદ તેની મુલાકાત લેવાનો અવસર મને સંજોગવશાત ગયા વર્ષે જુન મહિના માં મળ્યો જયારે હું દક્ષિણ ભારતના ગિરિમથક અને નીલગીરી ની રાણી એવા ઉટી ના પ્રવાસે ગયો.
વડોદરા થી ઉટી જવા કોઇમ્બતુરની ફ્લાઈટનો સમય જરા વિચિત્ર હતો અને મારે ટોય ટ્રેનમાં બેસી ને સફર કરવી હતી એટલે મેં ચેન્નાઈની ફ્લાઈટ પસંદ કરી અને પ્રવાસમાં એક દિવસ વધારી દીધો જેથી કરી ને આ પુરાતત્વીય સ્થળ ની મુલાકાત લઇ શકાય. સવારે ચેન્નાઈ પહોચી, હોટેલ પર ફ્રેશ થઇ ને ટેક્સી કરી અને સૌપ્રથમ અમે ચેન્નાઈ ખાતે આવેલા રેલ્વે મ્યુઝીયમ જોવા ગયા. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી નામક Indian Railways નું ઉપક્રમ ભારત ઉપરાંત થાઈલેન્ડ, શ્રીલંકા, બર્મા, યુગાન્ડા, બાંગ્લાદેશ, જેવા દેશોની રેલ્વે માટેના કોચ નું નિર્માણ કરે છે. આ ફેક્ટરી ના પ્રાંગણમાં આવેલું છે-રેલ મ્યુઝીયમ. અહી દેશ વિદેશ ની અમુક ઐતિહાસિક રેલ્વે, એન્જીન, ભારખાના, થી લઇ અત્યાધુનિક મેટ્રો રેલ ના કોચ પ્રદર્શિત છે. તદુપરાંત બ્રિટીશ રાજના વરાળ સંચાલિત એન્જીન અને ઊટી ટ્રેનના વિન્ટેજ કોચ પણ અહી પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પચાસેક જેટલા ટ્રેન ના મોડેલ અહી મુકવામાં આવ્યા છે, તેમજ ઐતિહાસિક ફોટોગ્રાફ્સ પણ અહી મુકવામાં આવ્યા છે. ભારતીય રેલ્વે ના ઈતિહાસ થી માંડી ને આધુનિકરણ ની તમામ રસપ્રદ માહિતીઓ અહી જોવા મળે છે. આ મ્યુઝીયમ નાના-મોટા સૌએ જોવા જેવું, જાણવા જેવું અને એક વાર અચુક મુલાકાત લેવા જેવું છે.

Picture source: Google
અહી થી અમે ચેન્નાઈના પ્રખ્યાત મરીના બીચ અને અન્ય એક ઐતિહાસિક સ્થળ સેન્ટ જ્યોર્જ ફોર્ટ જોવા ગયા અને ત્યાંથી મહાબલીપુરમ જવા પ્રયાણ કર્યું. ચેન્નાઈ થી લગભગ ૬૦ કિલોમીટર ના અંતરે આવેલા મહાબલીપુરમનો સમાવેશ વિશ્વ વિરાસત/world heritage માં થયો હોવાથી અહી દેશ વિદેશ થી ઘણા જિજ્ઞાસુ પર્યટકો અહી આવે છે અને તેથી આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકસિત થયેલું છે. કોરોમંડલ સમુદ્રતટ ને અડી ને પસાર થતો રમણીય ઇસ્ટર્ન કોસ્ટલ વે પ્રવાસને આનંદદાયક બનાવે છે. ચેન્નાઈ થી મહાબલીપુરમ સુધી વચ્ચે અનેક રિસોર્ટસ આવેલા છે. બંગાળ ની ખાડી ના વિશાળ સમુદ્રતટ પર આવેલા એવા જ એક રિસોર્ટ માં અમારું રોકાણ હતું. રાત્રે દરિયા કિનારે, ઘૂઘવતા સમુદ્રને કિનારે, સંધ્યા ખીલી હોય ત્યારે, ઠંડા પવન ની લહેરખીઓ વચ્ચે સરસ મજાનું ભોજન માણવાની કઈક અલગ જ મજા છે. સાંજે ૭.૩૦ વાગ્યે ભોજન પતાવી અમે શીતળ ચાંદની રાત માં દરિયા કિનારે બેસવા નો અદભુત લહાવો લીધો.
બીજે દિવસે વહેલી સવારે બંગાળ ની ખાડી પર થી ઉગતા સુરજનું એ અદભુત દ્રશ્ય ખરેખર જીવનની યાદગાર ક્ષણ હતી. વિશાળ લહેરો વચ્ચે ઉગતા સુરજ અથવા આથમતા સુરજ નું દ્રશ્ય એ એક અદ્વિતીય લહાવો છે. દુર દુર સુધી અફાટ સમુદ્રના દર્શન અને સવાર ની ગુલાબી ઠંડકમાં ગરમી ભેળવતો કુણો તડકો એ અલગ જ રોમાંચ છે. આવો સરસ મજાનો અનુભવ કરી અમારો હવે પછીનો કાર્યક્રમ મહાબલીપુરમ ના વિવિધ સ્થાપત્યો ની મુલાકાત લેવાનો હતો.
મમલ્લાપુરમ:
મમલ્લા એટલે કે મહાન કુશ્તીબાજ રાજા નું નગર એટલે મમલ્લાપુરમ અથવા મહાબલીપુરમ. પલ્લવવંશના રાજા નરસિંહવર્મન ૧ અજેય રાજાઓમાંથી એક ગણાય છે જેને મહાન યોદ્ધા અને કુશ્તીબાજ તરીકે નામના મળી હતી. તેમના નામ પરથી આ નગર નું નામ મમલ્લાપુરમ પડ્યું હોવાનું મનાય છે. જયારે ઇતિહાસકાર પદ્મભૂષણ શ્રી રામચન્દ્રન નાગાસ્વામી ના કહેવા પ્રમાણે તમિલ શબ્દ મલ્લાલ શબ્દ મમલ્લાપુરમ નો જનક છે જેનો અર્થ સમૃદ્ધિ અથવા શક્તિ થાય છે. એ પ્રમાણે મમલ્લાપુરમ પ્રાચીન ભારત નું એક વિશાળ, મહત્વનું બંદર, વ્યાપારીમથક અને રાજકીય કેન્દ્ર રહ્યું હોવું જોઈએ. ઈ.સ. છઠી થી માંડી ને ૯મી સદી ની આસપાસ બનાવાયેલા અહીના સ્થાપત્યો પલ્લવ સામ્રાજ્યની કળાસમૃદ્ધિ તેમજ જાહોજલાલી દર્શાવે છે. કોરોમંડલ ના દરિયાકિનારે આવેલ આ સ્થાપત્ય સમૂહ દક્ષિણ ભારતના સૌથી જુના હયાત દ્રવિડિયન સ્થાપત્યો માનું એક ગણાય છે. તમામ સ્થાપત્યો ગ્રેનાઈટના પત્થરમાંથી કંડારાયેલ સ્થાપત્યો છે તેમજ મોટાભાગ ના સ્થાપત્યો મોનોલિથિક એટલે કે એક જ પત્થર માંથી બનેલા છે.
-મહાબલીપુરમ નો અતિરમણીય સમુદ્રતટ –આદિત્ય દેસાઈ
સવારે નીકળેલા થોડોક સમયના કુણા તડકા પછી કુદરતે અમારી ઉપર થોડી મહેરબાની કરી અને આખો દિવસ પછી વાદળછાયું અને એકદમ આહલાદક વાતાવરણ રહ્યું. આવા આહલાદક વાતાવરણમાં દરિયાકિનારે આવેલા મહાબલીપુરમ ના સ્થાપત્યોની પૃષ્ઠભુમી એકદમ અનોખી અને મનમોહક બની રહે એમાં નવાઈ નહિ.
ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) દ્વારા સંરક્ષિત મહાબલીપુરમ સ્થાપત્ય સમૂહ એ દ્રવિડિયન સ્થાપત્ય કળાનો એક ઉમદા નમુનો છે. મહાબલીપુરમ ખાતેના સ્મારકો ઈ.સ. છઠી સદી ની આસપાસના હિંદુ ધર્મમાં વ્યાપ્ત વિવિધ સંપ્રદાયો, સંસ્કૃતિ અને દેવી દેવતા ને અનુલક્ષી ને કંડારવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે શિવ, શક્તિ, વિષ્ણુ અને મહાભારતના પાત્રો ને સમર્પિત સ્થાપત્યો છે. પત્થરમાંથી જાણે પરમેશ્વર જીવંત થયા હોઈ તેવા આ શિલ્પ સ્થાપત્યો અચંબિત કરી મુકે એવા વિશાળ છે. મહાબલીપુરમ ના સ્થાપત્યો કલાની દ્રષ્ટી એ પણ એટલી જ વિવિધતા ધરાવે છે. અહી મુખ્યત્વે ૫ શૈલી ના શિલ્પ સ્થાપત્યો જોઈ શકાય છે. ૧) ઉત્ખનન દ્વારા મળેલા ભગ્ન સ્થાપત્યો, ૨) એક જ પત્થરમાંથી કોતરેલ રથ આકાર ના સ્થાપત્યો, ૩) પત્થરને કોતરીને બનાવાયેલ મંડપ શૈલી ના ગુફા સ્થાપત્યો, ૪) ચોક્કસ આકાર ધરાવતા માળખાકીય સ્થાપત્યો અને ૫) પત્થર પર નકશીકામ વડે બનાવાયેલ ચોક્કસ પ્રસંગને દર્શાવતા સ્થાપત્યો. અહી મુખ્યત્વે ૬ રથ સ્થાપત્યો, ૧૦ મંડપ સ્થાપત્યો, ૩ માળખાકીય મંદિર સ્થાપત્યો અને ૨ ખડક પર નકશીકામ કરેલા સ્થાપત્યો જોવાલાયક છે. આ દરેક પ્રકારના સ્થાપત્યો મહાબલીપુરમ માં અલગ અલગ જગ્યા એ આવેલા છે તેથી નકશા પ્રમાણે રસ્તા માં આવતા જતા સ્થાપત્યો ની બદલે જો એકસાથે એક જ પ્રકાર ના સ્થાપત્યોની મુલાકાત લેવાય તો દરેક પ્રકારના સ્થાપત્યો ની વિશેષતા ઉડી ને આંખે વળગે છે તેમજ બારીકાઇ થી તેમના વિશે જાણી શકાય.
મહાબલીપુરમ ના ગુફા મંદિરો:
મહાબલીપુરમ ના મંડપ સ્થાપત્યો અથવા જેને ગુફા મંદિરો તરીકે ઓળખાય છે તે નામ પ્રમાણે ખડકને ગુફાની માફક પોલાણ બનાવીને બનાવાયેલ મંડપ છે. મંડપ એટલે ચોક્કસ આકારનો અને ટેકા માટે સ્થંભ ધરાવનાર ખંડ જે મુખ્યત્વે સામાજિક અથવા ધાર્મિક પ્રસંગ માટે વપરાય છે. મહાબલીપુરમ માં ૧૪-૧૫ આવા મંડપની માળખાકીય રચના વાળા ગુફા મંદિરો આવેલા છે. પરંતુ એક વાત અહી જાણવાલાયક ખરી કે મહાબલીપુરમના ઘણાખરા ગુફા મંદિરો અપૂર્ણ અવસ્થામાં છે. જેના થકી ૭મી સદી આસપાસ ની પ્રવર્તમાન ગુફા મંદિરોની બાંધકામ પ્રક્રિયા વિશે વિગત થી જાણવા માં મદદ મળી છે. જે મુજબ હસ્તકળા ના કારીગરો, સ્થાપત્યના શિલ્પીઓ સાથે મળી ને સૌપ્રથમ પત્થરમાંથી સ્થંભ ધરાવતું બાંધકામ કોતરતા અને ત્યારબાદ તેને નકશીકામ વડે આખરી ઓપ આપતા.
રિસોર્ટ થી નીકળી અમે સૌથી પહેલા રસ્તા માં ટાઇગર કેવ ખાતે મહાબલીપુરમ નું સૌપ્રથમ સ્થાપત્ય જોવા મળ્યું, જે ગુફા અથવા મંડપ સ્થાપત્યો માનું એક છે. દેવી શક્તિ( દુર્ગા/લક્ષ્મી) ને સમર્પિત આ સ્થાપત્ય પત્થર માંથી કોતરેલું એક વિશાળ સર્જન છે. વિશાળ મેદાન ની વચ્ચે આજુબાજુ ઊંચા તાડીના વૃક્ષોની વચ્ચે આવેલું આ સ્થાપત્ય એક જ પત્થર માંથી કોતરેલું હોવાથી વિશેષ આકર્ષણ છે, જેનો ઉપયોગ પ્રાચીન કાળ માં કદાચ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો માટે થતો હશે એવું કહી શકાય.
-Tiger cave – Picture source – Google
ત્યારબાદ અમે મહાબલીપુરમ ની મુખ્ય ટેકરી પાસે પહોચ્યા જ્યાં અન્ય ગુફા સ્થાપત્યો વરાહ મંદિર, ધર્મરાજ મંદિર અને મહિષાસુર મંદિર તેમજ આદિવરાહ મંદિર નિહાળ્યા. ટેકરી ની પશ્ચિમ બાજુ એ કોતરી ને બનાવાયેલ વરાહ મંદિર ભગવાન વિષ્ણુ ને સમર્પિત મંદિર છે જે તેમાં કોતરવામાં આવેલા શિલ્પ માટે પ્રખ્યાત છે. અહીના શિલ્પો માં ઉત્તર તરફ ની દીવાલે વરાહ અવતાર ને દર્શાવતું શિલ્પ, દક્ષીણ દીવાલ પર વામન અવતારના વિરાટ સ્વરૂપ એવા ત્રિવિક્રમ નું શિલ્પ, જયારે પાછળ ની પશ્ચિમ તરફ ની દીવાલ પર ચોરસ તકતી ની અંદર ગજ્લક્ષ્મી નું શિલ્પ મુખ્ય છે. એ સમય માં એકદમ સચોટ રીતે કંડારાયેલ આ શિલ્પો અચંબો પ્રેરે એવા છે. અહી પ્રવેશદ્વારના સ્થંભો થી થઇ મંડપ અને ગર્ભગૃહમાં પહોચી શકાય છે. મંદિર ના સ્થંભ પદ્મપીઠ (કમળની પાંદડીઓ ના આસન) પર પર બાંધવામાં આવેલ છે.
ત્રિવિક્રમ શિલ્પ – સ્ત્રોત ગુગલ
આ જ ટેકરી ની દક્ષીણ દિશાએ પત્થર કોતરી ને બનાવાયેલ ધર્મરાજ ગુફા મંદિર સાદી બાંધણી ધરાવતું મંદિર છે જેમાં પાતળા સ્થંભો અને અર્ધ મંડપ, મુખ્ય મંડપ અને ગર્ભગૃહ ને અલગ પાડે છે. શિવ ને સમર્પિત આ મંદિર ના ગર્ભગૃહ માં શિવલિંગ અને દ્વારપાળ દ્રશ્યમાન થાય છે. ૭ મી સદી માં પરમેશ્વર વર્મન ના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવેલ આ મંદિરમાં સંસ્કૃતમાં કંડારાયેલ શિલાલેખ પણ જોવા મળે છે.
આ જ ટેકરી ના દક્ષીણ છેડા પર જોવામળે છે વધુ એક ગુફા મંદિર : મહિષાસુરમર્દિની મંદિર. માર્કંડેય પુરાણના પ્રસંગો દર્શાવતા આ મંદિર પ્રવેશ માં ૪ સ્થંભો ધરાવે છે. અન્ય મહાબલીપુરમ મંદિરો થી અલગ આ મંદિર ના સ્થંભોમાં નરસિંહ ના બદલે સંપૂર્ણ સિંહ ની કોતરણી છે. આ એક અપૂર્ણ મંદિર છે જેમાં આંતરિક કોતરણીકામ પૂર્ણ છે અને બાકી નું બાંધકામ અપૂર્ણ છે જે વિવિધ શિલ્પી તેમજ હસ્તકલા કારીગરો ની સમાંતર બાંધકામ શૈલી દર્શાવે છે. મંદિર ની ઉત્તરીય દીવાલ પર એકદમ જટિલ નકશીકામ કરેલુ મહિષાસુરમર્દિની શિલ્પ તેમજ દક્ષીણ દીવાલ પર શેષસાયી વિષ્ણુ નું શિલ્પ કંડારવામાં આવેલ છે.
મહિષાસુર વધ ના પ્રસંગનું શિલ્પ – સ્ત્રોત ગુગલ
ટેકરી ની પશ્ચિમ બાજુ ના ઉત્તરીય છેડા પર આદિવરાહ મંદિર છે, જે વરહ મંદિર થી પહેલા બનાવાયેલ હોવાનું અનુમાન છે. ૭મી સદી માં રાજા નરસિંહ વર્મન પ્રથમ ના અરસા માં બનાવાયેલ આ મંદિર ની ગર્ભગૃહની પ્રવેશની દીવાલ પર ભગવાન વિષ્ણુના દશાવતાર નો શ્લોક શીલાલેખ તરીકે જોઈ શકાય છે.
અહી ટેકરી ની બીજી બાજુ એ એક વિશાળ ગોપુરમ (મંદિરનું મુખ્ય દ્વાર) જે રાયર ગોપુરમ તરીકે ઓળખાય છે ત્યાંથી થઇ રામાનુજ મંડપમ પહોચી શકાય છે જે બધા ગુફા મંદિરો માં સૌથી જટિલ નકશીકામ વાળું તેમજ એક પૂર્ણ મંદિર છે. હિંદુ સ્થાપત્ય કળા ના ઘણા અંગો અહી જોવા મળે છે જેમ કે અધિસ્થાન, અર્ધમંડપ, મુખ્યમંડપ, સ્થંભ, ગર્ભગૃહ, વગેરે. પરમેશ્વર વર્મન ના શાસનકાળ દરમ્યાન નિર્મિત આ મંદિર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ને સમર્પિત ૩ ખંડ ધરાવે છે. જેની પાછળની ભીંત પર શિવ પરિવાર નું દીવાલ પર નું નકશીકામ ધરાવતું શિલ્પ જોવા મળે છે. રુદ્રાવતાર ને સમર્પિત સંસ્કૃત લેખ પણ સ્થંભો માં જોવા મળે છે. આ ઉપરાંત અહી પંચપાંડવા મંદિર, કોનેરી શિવ મંદિર, ત્રિમૂર્તિ મંદિર અને થોડે દુર આવેલ અતીરન્ચંદા ગુફા મંદિરો પણ જોવા લાયક છે. જે સમય ના અભાવે અમે જોવાનું ટાળ્યું અથવા કહો કે જોઈ ના શક્યા.
મહાબલીપુર ના નકશીકામ ધરાવતા શિલ્પસ્થાપત્યો :
મહાબલીપુરમ ના એક્પત્થરી/મોનોલીથીક સ્થાપત્યો માંથી સૌથી ઉમદા સ્થાપત્ય હોય તો એ છે ગંગાવતરણ શિલ્પ. અર્જુન નું તપ અથવા ગંગાવતરણ તરીકે ઓળખાતું આ સ્થાપત્ય એક જ પત્થર માંથી કંડારાયેલું વિશાળ બારીક કોતરણી વાળું સ્થાપત્ય છે. વિશ્વના સૌથી મોટા મુક્તાકાશ નકશીકામ/bas-relief સ્થાપત્ય તરીકે પ્રખ્યાત અને એશિયાના સૌથી મોટા ઉપસાવેલા પાષાણ નકશીકામ સ્થાપત્યો / Rock reliefs માંનું એક એવું આ વિશાળ સ્થાપત્ય હિંદુ ધર્મની ગંગા અવતરણ ની કથા ને સલગ્ન પ્રસંગો ને આબેહુબ રીતે પ્રદર્શિત કરે છે જે ભગીરથ રાજા ના ગંગા અવતરણનું અથવા મહાભારત માં અર્જુનને શસ્ત્ર આપવા થયેલ ગંગાઅવતરણનું ચિત્રાંકન છે.
ગંગાવતરણ શિલ્પ : સ્ત્રોત ગુગલ
અહી બાજુમાં આવેલ વિષ્ણુ ગુફા મંદિર માં ગોવર્ધનધારી કૃષ્ણ નું શિલ્પ અદ્ભુત અને જોવાલાયક છે. જયારે ગંગાવતરણની જમણી બાજુ ખુલ્લા મેદાનમાં જ કુદરત ની અજાયબી સમાન એક પ્રાકૃતિક પત્થર છે જે krishna’s butter ball તરીકે ઓળખાય છે. જે ખરેખર અચંબા માં મૂકી દે તેવો અડીખમ પત્થર છે.
-ક્રિશ્ના બટર બોલ – ફોટો – આદિત્ય દેસાઈ
મહાબલીપુરમ ના સ્વતંત્ર મંદિર સ્થાપત્યો :
હવે અમે મમલ્લાપુરમના જાણીતા સ્થાપત્યોમાનું એક એવું “શોર ટેમ્પલ” નામનું સ્થાપત્ય જોવા પહોચ્યા, જે ભૌમિતિક આકાર પર આધારિત માળખાકીય મંદિર છે. આ મંદિર અહીના અન્ય સ્થાપત્યો થી અલગ છે, કેમ કે એક પત્થર ને બદલે તે અનેક પત્થરો ને જોડી ને બનાવાયેલું એક ચોક્કસ આકારનું મંદિર છે. ખુબ સુંદર રીતે બનાવેલ આ મંદિર શિવ, શક્તિ અને વિષ્ણુ ને સમર્પિત કુલ ૩ મંદિર નો સમૂહ છે. અહીની વધુ એક વિશેષતા એ છે કે અન્ય શૈવ મંદિરો ની જેમ એક જ નંદી ને બદલે અહી નંદી મંદિરના સંપૂર્ણ પરિઘમાં, બાહ્ય દીવાલ પર ફેલાયેલ છે જે મંદિર નું રક્ષણ કરતા હોવાનો ભાવ ઉભો કરે છે. જેને લીધે મંદિર ની સુંદરતા વધી જાય છે. ૬૦ ફીટ ઊંચું આ મંદિર જમીન થી અદ્ધર ઓટલા પર બનાવાયેલ છે. મંદિર માં પ્રવેશવા નંદી યુક્ત બાહ્ય દીવાલ પર થી નીચે ઉતરીને સાંકડી શેરી જેવી જગ્યા થી પસાર થઇ, મુખ્ય દ્વાર જેવા બે સ્તંભ વચ્ચે થી ખુલ્લા મેદાન માં પ્રવેશી, મંદિરના પગથીયા ફરી ચડી ને પહોચી શકાય. જે ખુદ માં એક અનોખી રચના છે. આ મંદિર પલ્લવ રાજા રાજાસીમ્હા ના સમયકાળમાં એટલે કે ૮મી સદીના પૂર્વાર્ધ માં બનાવાયેલ હોવાનું પ્રતિપાદિત થાય છે. એકદમ દરિયા કિનારે અડીને આવેલ હોવાથી આ મંદિર શોર ટેમ્પલ એટલે કે કિનારાનું મંદિર તરીકે ઓળખાય છે. આ સુદર અને મોકા નું સ્થાન અને બાજુ માં મહાબલીપુરમ નો લાંબો દરિયાકિનારો કોઈ અલગ જ દુનિયા માં પહોચી ગયા નો ભાવ જન્માવે. સોનેરી રેતીયુક્ત દરિયાકિનારા ને અફળાતા અને ઉછાળા મારતા મોજા અને રંગબેરંગી નૌકાઓ સાથે મળી કોઈ વોલપેપર જેવું સુદર દ્રશ્ય ઉભું કરતા હતા. પ્રસિદ્ધ મહાન પ્રવાસી માર્કો પોલો જયારે દક્ષિણ ભારત પાસે થી પસાર થયો ત્યારે તેણે જોયેલા “સાત પગોડા” માં નું એક કદાચ શોર ટેમ્પલ હોઈ શકે અને એ નગર મહાબલી પુરમ હોઈ શકે એવો અમુક ઇતિહાસવિદો નો દાવો છે. વિશાળ મેદાન પર, દરિયાકિનારા પાસે આવેલું, મધ્યકાલીન તમિલ હિંદુ સ્થાપત્ય શૈલી દર્શાવતું આ મંદિર અત્યાર સુધી સચવાયેલું અને મહાબલીપુરમના મંદિર સ્થાપત્યોમાં સૌથી શ્રેષ્ઠ મંદિર સ્થાપત્ય છે.

-શોર ટેમ્પલ – (Both Pictures by Aditya Desai )
આ ઉપરાંત મહિષાસુરમર્દિની ગુફા મંદિર ની બરોબર ઉપર ની બાજુ એ આવેલું ભૂખરા ગ્રેનાઈટ પત્થરો વડે બનાવાયેલ ઉલ્લીકન્નેશ્વરા (ચંદ્રભૂષણ શિવ) મંદિર પણ એક સ્વતંત્ર પરંતુ અપૂર્ણ મંદિર સ્થાપત્ય છે. બ્રિટીશકાળ માં ૧૯મી સદી ના આરંભ પહેલા આ મંદિર ની છત નો ઉપયોગ દીવાદાંડી તરીકે થતો હોવાનું ઈતિહાસકારો જણાવે છે. રાજા રાજસીમ્હાના શાસનકાળ દરમ્યાન બનેલ એક વધુ મંદિર મુકુન્દનયનાર મંદિર ટેકરી ની ઉત્તરે આવેલું એક સાદી બાંધણી ધરાવતું ચોરસ આકાર નું સ્વતંત્ર મંદિર છે.
મહિષાસુરમર્દિની ગુફા મંદિર (નીચે) ઉલ્લીકનેશ્વરા મંદિર (ઉપર) – સ્ત્રોત : ગુગલ
મહાબલીપુરમ ના રથ મંદિરો:
બપોર ના ૩ વાગ્યા હતા અને ભોજન લીધા વિના અમે આમતેમ વિવિધ સ્થાપત્યો ની શિલ્પકળા થી અભિભૂત થઇ ફરતા હતા. હવે વારો હતો રથ મંદિરોને નિહાળવાનો. દરિયાકિનારે વાતા ઠંડા પવનની લહેરખીઓ ની મજા માણતા અમે દક્ષીણ મહાબલીપુરમ ખાતે આવેલા અન્ય એક સ્મારક સમૂહ પર જે મહાબલીપુરમ નું એક પ્રસિદ્ધ અને વૈશ્વિક સ્તરે ગણના પામેલું સ્થાપત્ય છે : પાચ રથનો સમૂહ. ૭મી શતાબ્દી માં બંધાવાયેલ આ રથ મંદિરો મહાભારતના ૬ પાત્ર ધર્મરાજ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, દ્રૌપદી અને નકુલ-સહદેવ ના નામ પરથી ઓળખાય છે. જો કે મહાભારત સાથે આ સ્થાપત્યો ને અન્ય કોઈ બાબતે જોડાણ નથી. એક જ પત્થર માંથી બનાવાયેલ આ સ્થાપત્યો મુખ્યત્વે મંદિર છે જે શિવ, પાર્વતી અને વિષ્ણુ, ગણેશ ને સમર્પિત છે. પલ્લવકાળ ના કારીગરો નો ઉત્કૃષ્ટ અને ઉમદા નમુના સમાન આ મંદિરો ધ્યાનાકર્ષક છે. મંદિરો માં કોતરેલ શિવ, વિષ્ણુ, નટરાજ, સૂર્ય, વગેરે ની મૂર્તિઓ ધ્યાન ખેચે છે અને યાદ રહે દરેક મંદિર ગ્રેનાઈટના મોનોલિથિક/એક જ પત્થર માંથી બનાવાયેલા સ્થાપત્યો છે, જે એ સમય ની કારીગરોની કુશળતા ની દાદ માંગી લે તેવા છે. અહી દરેક સ્થાપત્ય ઉત્તર-દક્ષિણ ધરી પર છે જેમાં ધર્મરાજ રથ દક્ષીણે, તેની ઉત્તરે અનુક્રમે ભીમ રથ, અર્જુન રથ અને દ્રૌપદી રથ છે. જયારે નકુલ-સહદેવ રથ સયુંકત રીતે બંધાવાયેલ છે. દ્રૌપદી રથ ની પશ્ચિમે ઉભેલો સિંહ, પૂર્વ માં નંદી તેમજ દક્ષીણ-પશ્ચિમે એક વિશાળકાય હાથી નું સ્થાપત્ય છે. નકુલ-સહદેવ સિવાય ના દરેક રથ મંદિર પશ્ચિમ પ્રવેશદ્વાર ધરાવે છે. દરેક રથ મંદિર એક વિશાળ ખડકીય પ્લીન્થ ધરાવે છે, જેના પ્રવેશદ્વારમાં દ્વારપાળ કોતરેલા છે. મંદિર ની અંદર ગોખલા કોતરવામાં આવ્યા છે અને તેની અંદર ઉપસેલા દેવી દેવતા, મત્સ્ય અવતાર, વરાહ અવતાર વગેરે જોઈ શકાય છે. ફરી યાદ અપાવવાનું કે આ રથ મંદિર ની દરેક ભાત, સ્થંભ, ગોખલા, તેની અંદર દેવી દેવતાની ઉપસેલી મૂર્તિ, વગેરે એક જ પત્થર છે ત્યાં સુધી કે મંદિર ચડવાના પગથીયા પણ. કોઈ જગ્યા એ સાંધો નથી ,માનવામાં આવી શકે? આટલું સુદર અને બારીક કોતરણી કામ તે જમાના માં કોઈ પ્રકાર ના આધુનિક ઓજાર વગર કરવું એ દાદ તો માંગી જ લે છે પણ એક અનોખું આશ્ચર્ય ઉભું કરે છે.
ધર્મરાજ રથ લંબચોરસ માળખા માં ઉભું કરાયેલું ચોરસ આકારની બાંધણી ધરાવતું રથ મંદિર છે, જે બાહ્ય દીવાલો પર સ્તંભ ધરાવતી કમાનાકીય ઓસરી અને પીરામીડ આકારના શિખર પર ઘટતા જતા ચોરસ માળ વાળું માળખું ધરાવે છે. તેનું શિખર અષ્ટકોણીય છે. દરેક સ્તંભ માં નીચે ના ભાગે સિંહ ની મુખાકૃતિ ધ્યાનાકર્ષક છે. મંદિર ના દરેક ખૂણે ગોખલામાં શિવ, અર્ધનારેશ્વર, હરિહર, અને કાર્તિકેય-બ્રહ્મા-વિષ્ણુ, ની મૂર્તિ ઓ કોતરવામાં આવેલી છે. જયારે ભીમ રથ એક અલગજ પ્રકાર ની ભૌમિતિક ભાત ધરાવે છે. લગભગ ૪૫ ફીટ લાંબા અને ૨૫ ફીટ પહોળા તેમજ ૨૫ ફીટ ઊંચા આ મહાકાય બાંધકામ સુરંગ જેવી માળખાકીય રચના ધરાવે છે. આ મંદિર કદાચ શેષશાયી વિષ્ણુ માટે બનાવાયેલ મંદિર હશે જેથી તે અત્યંત વિશાળ તેમજ અંદર ની બાજુ એ કોઈ સ્તંભ વગર નું મંદિર છે. આ મંદિર જટિલ રીતે કોતરણી કામ કરેલા તેના શિખરી ભાગો અને સાત ગવાક્ષો થી અલંકૃત છાજલી ધરાવે છે. ઉપરાંત દરેક બાજુ એ ૫ ગોખલા જેવી રચના મંદિર ના શિખર ને અલગ જ ઓપ પ્રદાન કરે છે. અર્જુન રથ મંદિર ધર્મરાજ રથ મંદિર જેવી જ રચના ધરાવે છે પણ તેનું શિખર ષષ્ટકોણીય છે અને મંદિર પ્રમાણ માં નાનું છે. તેની બાહ્ય દીવાલ પર ૧૪ વિવિધ શિલ્પો કંડારવામાં આવેલા છે જેમાં ૪ દ્વારપાળ અને અન્ય ૧૦ સામાન્ય મનુષ્ય ના શિલ્પો છે જે જીવન ની અલગ અલગ અવસ્થાઓ નો ઉલ્લેખ કરતા જણાય છે. દ્રૌપદી મંદિર એક નાનકડી ઝુપડી જેવું મંદિર છે. અહી દુર્ગાના મહિષાસુરમર્દિની અવતાર વાળું શિલ્પ ધ્યાનાકર્ષક છે. જયારે નકુલ-સહદેવ રથ મંદિર બાકી તમામ કરતા અલગ અને વિશિષ્ટ પ્રકાર નું મંદિર છે જેની રચના પ્રાચીન હિંદુ મંદિરો થી અલગ અને બૌદ્ધ સંપ્રદાય ના ચૈત્ય ખંડ જેવી છે. દરેક રથ કોઈ જગ્યા એ તિરાડ વગર કોતરવામાં આવેલા એક્પત્થરીય મંદિર નું ઈજનેરી દ્રષ્ટી એ કુતુહલપ્રેરક બાંધકામ કાબીલેદાદ છે.

-પાંચ રથ By Aditya Desai
મહાબલીપુરમમાં લગભગ નવેક કલાક ફરી ને અમે મોટા ભાગનું સ્થાપત્ય નગર જોઈ લીધું. મધ્યકાલીન યુગ ના એ શિલ્પીઓ અને હસ્તકળાના મહાન કારીગરો પર માન થવું સ્વાભાવિક હતું. કોઈપ્રકાર ના આધુનિક ઓજાર ની ગેરહાજરી છતાં એક જ પત્થર માંથી, નાની સરખી તિરાડ વગર કોતરેલ વિશ્વની આ અજાયબી સમાન સ્થાપત્યો થી દિગ્મૂઢ થઇ આશ્ચર્ય ના ભાવ સાથે અને ભવિષ્યમાં ફરી પાછા ૨-૩ દિવસ અહી ગાળવાની નેમ સાથે અમે ચેન્નાઈ પાછા ફર્યા અને રાત્રે નીલગીરી એક્સપ્રેસ માં બેસી ઉટી તરફ અમારો પ્રવાસ આગળ વધાર્યો. વિશ્વ ધરોહર માં સ્થાન પામેલ આ જગ્યા સ્થાપત્ય કળા ની દ્રષ્ટિએ તો વખાણવાલાયક ખરી જ પણ પ્રાકૃતિક દ્રષ્ટીએ પણ માણવા જેવી છે. મહાબલીપુરમ ના તમામ સ્થાપત્યો ને બારીકાઇ થી જોતા અને સમજતા ૨ થી ૩ દિવસ નો સમય પણ ક્યાં પસાર થઇ જાય એ ખબર ના પડે. આજ થી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલા ના સમયકાળમાં એક જ પત્થર માંથી કોતરેલ મૂર્તિઓ નહિ પણ પુરેપુરા મંદિર આજે પણ હયાત છે એ જાણી ને આશ્ચર્ય થયું હોઈ કે આ લેખથી અતિશયોક્તિ જેવું લાગતું હોઈ તો જાતે જ જઈ ને ખરાઈ કરી લો…!!!
એક નજર આ તરફ :
-મહાબલીપુરમ ચેન્નઈ થી ૬૦ કીલોમીટરના નજીવા અંતરે આવેલું છે અને ઇસ્ટર્ન કોસ્ટલ વે થી અહી એકાદ કલાકમાં પહોચી શકાય. રહેવા માટે અહી દરિયા કિનારે અનેક સુંદર રિસોર્ટસ આવેલા છે.
-મહાબલીપુરમ ની મુલાકાત લેવા નવેમ્બર થી જુન નો સમય ઉત્તમ છે. મુલાકાત માટે એક રાત્રી રોકાણ અને એક આખો દિવસ ઉત્તમ રહેશે.
-મહાબલીપુરમ માં ૧૦-૧૨ સ્થાપત્યો અને સ્થળો આવેલા છે જે નજીક નજીક માં જ છે. પહેલે થી ઈતિહાસ અને સ્થાપત્યો નું અધ્યયન કરી ને જશો તો જગ્યાનું અને સ્થાપત્યો નું મહત્વ અને તેને જોવાની જીજ્ઞાસા માં વૃદ્ધિ થશે. તેમ છતાં ગાઈડની સુવિધા અહી ઉપલબ્ધ છે. તેમજ રીક્ષા વડે ૫૦૦ રૂ. માં બધા સ્થાપત્યો ની મુલાકાત લઇ શકાય છે.
-અહી ક્રોનીકલ્સ ઇન્ડિયા નામનું ૭DX થીએટર આવેલું છે જે પલ્લવ યુગ ના ઈતિહાસ વિશે જાણવા માટે ઉત્તમ માધ્યમ છે. સંપર્ક : 8939004444.
-આ ઉપરાંત પંચ રથ સ્થાપત્ય સમૂહ પાસે India Seashells Museum આવેલું છે જેમાં ૪૦૦૦૦ પ્રકારના વિવિધ દરિયાઈ છીપ, શંખ, દરિયાઈ જીવ વગેરે સાચવવામાં આવ્યા છે. બાળકો અને મોટેરાઓ માટે નિહાળવાલાયક સંગ્રહાલય સવારે ૮ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહે છે. વધુ માહિતી: http://indiaseashellmuseum.in/ પરથી મેળવી શકાશે.
-ચેન્નાઈ રેલ મ્યુઝીયમ સોમવારે બંધ રહે છે. અહી પ્રવાસીઓ માટે ICF ની ફેક્ટરીની મુલાકાત માટે પણ વ્યવસ્થા છે.
Written by :
Aditya C. Desai
#GujjuTravelerAditya
#Mahabalipuram #Chennai #RailwayMuseum #Mamallapuram #ShoreTemple #Panchrathas #TigerCave