Wednesday 29 May 2019

Bhrigu Lake Trek Latest 2019 | Best Trek of Manali | Trekking | ભૃગુ લેક ટ્રેક | Trek in Himalayas



Bhrigulake is situated on the height of 14100 ft from sea level and is named after sage Bhrigu, who had once lived here. The feature of this lake is, its changing ...

https://www.youtube.com/watch?v=Z7FqyRYnM-4

Wednesday 22 May 2019

Tuesday 5 March 2019

મમલ્લાપુરમ (મહાબલીપુરમ) : એક અદ્વિતીય વારસો

ભારતના સ્થાપત્યો વિશ્વમાં સૌથી અજોડ છે અને એનો પુરાવો વિશ્વ વિરાસત સ્થળો ના લીસ્ટ માં ભારત ૩૭ વિશ્વ ધરોહર સાથે છઠા ક્રમાંકે બિરાજમાન છે. અહી બેજોડ અને ઉમદા કળા કારીગીરીના નમુનાઓ જોઈ શકાય છે, જેમ કે તાજ મહાલ, રાણકી વાવ, ખજુરાહો, ચાંપાનેર, અજંતા ઈલોરા ની ગુફાઓ, વગેરે. આવા ભવ્ય સ્મારકો જોઈને મન માં સહેજે પ્રશ્ન થઇ ઉઠે કે સદીઓ પહેલા આટલા ભવ્ય બાંધકામ કઈ રીતે થયા હશે અને એ જ આશ્ચર્ય તમને એ મહાન સ્થાપત્યો સુધી ખેચી લાવે. આવી જ એક જગ્યા છે તમિલનાડુમાં ચેન્નાઈ પાસે આવેલી વિશ્વ વિરાસત : મમલ્લાપુરમ અથવા મહાબલીપુરમ નામે ઓળખાતું પ્રાચીન ભારતનું એક વિસરાયેલું નગર, જે તેના બેહદ રોમાંચક ઈતિહાસ અને ઉત્કૃષ્ટ કળા કારીગીરી માટે વિશ્વભર માં પ્રખ્યાત છે. ભારત ની બાકીની વિશ્વ વિરાસત થી અલગ તરી આવે છે કેમ કે અહી કોઈ એક સ્મારક કે બાંધકામ નહિ પણ પુરા વિસ્તારમાં ફેલાયેલા વિવિધ બેનમૂન સ્મારકો નો સમૂહ છે જે ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. 2004 ની ત્સુનામી પછી અહીના તટીય પ્રદેશમાં અમુક ૨૦૦૦ વર્ષ જેટલા જુના અવશેષો પણ મળ્યા છે, જે આ સ્થળની પૌરાણિકતા તેમજ મહાબલીપુરમ ના ભવ્ય ઈતિહાસ ને નજીક થી જાણવા માટે આમંત્રણ આપે છે. ઘણા સમય પહેલા તેના વિશે જાણ્યા બાદ તેની મુલાકાત લેવાનો અવસર મને સંજોગવશાત ગયા વર્ષે જુન મહિના માં મળ્યો જયારે હું દક્ષિણ ભારતના ગિરિમથક અને નીલગીરી ની રાણી એવા ઉટી ના પ્રવાસે ગયો.
વડોદરા થી ઉટી જવા કોઇમ્બતુરની ફ્લાઈટનો સમય જરા વિચિત્ર હતો અને મારે ટોય ટ્રેનમાં બેસી ને સફર કરવી હતી એટલે મેં ચેન્નાઈની ફ્લાઈટ પસંદ કરી અને પ્રવાસમાં એક દિવસ વધારી દીધો જેથી કરી ને આ પુરાતત્વીય સ્થળ ની મુલાકાત લઇ શકાય. સવારે ચેન્નાઈ પહોચી, હોટેલ પર ફ્રેશ થઇ ને ટેક્સી કરી અને સૌપ્રથમ અમે ચેન્નાઈ ખાતે આવેલા રેલ્વે મ્યુઝીયમ જોવા ગયા. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી નામક Indian Railways નું ઉપક્રમ ભારત ઉપરાંત થાઈલેન્ડ, શ્રીલંકા, બર્મા, યુગાન્ડા, બાંગ્લાદેશ, જેવા દેશોની રેલ્વે માટેના કોચ નું નિર્માણ કરે છે. આ ફેક્ટરી ના પ્રાંગણમાં આવેલું છે-રેલ મ્યુઝીયમ. અહી દેશ વિદેશ ની અમુક ઐતિહાસિક રેલ્વે, એન્જીન, ભારખાના, થી લઇ અત્યાધુનિક મેટ્રો રેલ ના કોચ પ્રદર્શિત છે. તદુપરાંત બ્રિટીશ રાજના વરાળ સંચાલિત એન્જીન અને ઊટી ટ્રેનના વિન્ટેજ કોચ પણ અહી પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પચાસેક જેટલા ટ્રેન ના મોડેલ અહી મુકવામાં આવ્યા છે, તેમજ ઐતિહાસિક ફોટોગ્રાફ્સ પણ અહી મુકવામાં આવ્યા છે. ભારતીય રેલ્વે ના ઈતિહાસ થી માંડી ને આધુનિકરણ ની તમામ રસપ્રદ માહિતીઓ અહી જોવા મળે છે. આ મ્યુઝીયમ નાના-મોટા સૌએ જોવા જેવું, જાણવા જેવું અને એક વાર અચુક મુલાકાત લેવા જેવું છે.
1
Picture source: Google
અહી થી અમે ચેન્નાઈના પ્રખ્યાત મરીના બીચ અને અન્ય એક ઐતિહાસિક સ્થળ સેન્ટ જ્યોર્જ ફોર્ટ જોવા ગયા અને ત્યાંથી મહાબલીપુરમ જવા પ્રયાણ કર્યું. ચેન્નાઈ થી લગભગ ૬૦ કિલોમીટર ના અંતરે આવેલા મહાબલીપુરમનો સમાવેશ વિશ્વ વિરાસત/world heritage માં થયો હોવાથી અહી દેશ વિદેશ થી ઘણા જિજ્ઞાસુ પર્યટકો અહી આવે છે અને તેથી આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકસિત થયેલું છે. કોરોમંડલ સમુદ્રતટ ને અડી ને પસાર થતો રમણીય ઇસ્ટર્ન કોસ્ટલ વે પ્રવાસને આનંદદાયક બનાવે છે. ચેન્નાઈ થી મહાબલીપુરમ સુધી વચ્ચે અનેક રિસોર્ટસ આવેલા છે. બંગાળ ની ખાડી ના વિશાળ સમુદ્રતટ પર આવેલા એવા જ એક રિસોર્ટ માં અમારું રોકાણ હતું. રાત્રે દરિયા કિનારે, ઘૂઘવતા સમુદ્રને કિનારે, સંધ્યા ખીલી હોય ત્યારે, ઠંડા પવન ની લહેરખીઓ વચ્ચે સરસ મજાનું ભોજન માણવાની કઈક અલગ જ મજા છે. સાંજે ૭.૩૦ વાગ્યે ભોજન પતાવી અમે શીતળ ચાંદની રાત માં દરિયા કિનારે બેસવા નો અદભુત લહાવો લીધો.
બીજે દિવસે વહેલી સવારે બંગાળ ની ખાડી પર થી ઉગતા સુરજનું એ અદભુત દ્રશ્ય ખરેખર જીવનની યાદગાર ક્ષણ હતી. વિશાળ લહેરો વચ્ચે ઉગતા સુરજ અથવા આથમતા સુરજ નું દ્રશ્ય એ એક અદ્વિતીય લહાવો છે. દુર દુર સુધી અફાટ સમુદ્રના દર્શન અને સવાર ની ગુલાબી ઠંડકમાં ગરમી ભેળવતો કુણો તડકો એ અલગ જ રોમાંચ છે. આવો સરસ મજાનો અનુભવ કરી અમારો હવે પછીનો કાર્યક્રમ મહાબલીપુરમ ના  વિવિધ સ્થાપત્યો ની મુલાકાત લેવાનો હતો.
મમલ્લાપુરમ:
મમલ્લા એટલે કે મહાન કુશ્તીબાજ રાજા નું નગર એટલે મમલ્લાપુરમ અથવા મહાબલીપુરમ. પલ્લવવંશના રાજા નરસિંહવર્મન ૧ અજેય રાજાઓમાંથી એક ગણાય છે જેને મહાન યોદ્ધા અને કુશ્તીબાજ તરીકે નામના મળી હતી. તેમના નામ પરથી આ નગર નું નામ મમલ્લાપુરમ પડ્યું હોવાનું મનાય છે. જયારે ઇતિહાસકાર પદ્મભૂષણ શ્રી રામચન્દ્રન નાગાસ્વામી ના કહેવા પ્રમાણે તમિલ શબ્દ મલ્લાલ શબ્દ મમલ્લાપુરમ નો જનક છે જેનો અર્થ સમૃદ્ધિ અથવા શક્તિ થાય છે. એ પ્રમાણે મમલ્લાપુરમ પ્રાચીન ભારત નું એક વિશાળ, મહત્વનું બંદર, વ્યાપારીમથક અને રાજકીય કેન્દ્ર રહ્યું હોવું જોઈએ. ઈ.સ. છઠી થી માંડી ને ૯મી સદી ની આસપાસ બનાવાયેલા અહીના સ્થાપત્યો પલ્લવ સામ્રાજ્યની કળાસમૃદ્ધિ તેમજ જાહોજલાલી દર્શાવે છે. કોરોમંડલ ના દરિયાકિનારે આવેલ આ સ્થાપત્ય સમૂહ દક્ષિણ ભારતના સૌથી જુના હયાત દ્રવિડિયન સ્થાપત્યો માનું એક ગણાય છે. તમામ સ્થાપત્યો ગ્રેનાઈટના પત્થરમાંથી કંડારાયેલ સ્થાપત્યો છે તેમજ મોટાભાગ ના સ્થાપત્યો મોનોલિથિક એટલે કે એક જ પત્થર માંથી બનેલા છે.
2
-મહાબલીપુરમ નો અતિરમણીય સમુદ્રતટ –આદિત્ય દેસાઈ
સવારે નીકળેલા થોડોક સમયના કુણા તડકા પછી કુદરતે અમારી ઉપર થોડી મહેરબાની કરી અને આખો દિવસ પછી વાદળછાયું અને એકદમ આહલાદક વાતાવરણ રહ્યું. આવા આહલાદક વાતાવરણમાં દરિયાકિનારે આવેલા મહાબલીપુરમ ના સ્થાપત્યોની પૃષ્ઠભુમી એકદમ અનોખી અને મનમોહક બની રહે એમાં નવાઈ નહિ.
ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) દ્વારા સંરક્ષિત મહાબલીપુરમ સ્થાપત્ય સમૂહ એ દ્રવિડિયન સ્થાપત્ય કળાનો એક ઉમદા નમુનો છે. મહાબલીપુરમ ખાતેના સ્મારકો ઈ.સ. છઠી સદી ની આસપાસના હિંદુ ધર્મમાં વ્યાપ્ત વિવિધ સંપ્રદાયો, સંસ્કૃતિ અને દેવી દેવતા ને અનુલક્ષી ને કંડારવામાં આવ્યા છે.  જેમાં મુખ્યત્વે શિવ, શક્તિ, વિષ્ણુ અને મહાભારતના પાત્રો ને સમર્પિત સ્થાપત્યો છે. પત્થરમાંથી જાણે પરમેશ્વર જીવંત થયા હોઈ તેવા આ શિલ્પ સ્થાપત્યો અચંબિત કરી મુકે એવા વિશાળ છે. મહાબલીપુરમ ના સ્થાપત્યો કલાની દ્રષ્ટી એ પણ એટલી જ વિવિધતા ધરાવે છે. અહી મુખ્યત્વે ૫ શૈલી ના શિલ્પ સ્થાપત્યો જોઈ શકાય છે. ૧) ઉત્ખનન દ્વારા મળેલા ભગ્ન સ્થાપત્યો, ૨) એક જ પત્થરમાંથી કોતરેલ રથ આકાર ના સ્થાપત્યો, ૩) પત્થરને કોતરીને બનાવાયેલ મંડપ શૈલી ના ગુફા સ્થાપત્યો, ૪) ચોક્કસ આકાર ધરાવતા માળખાકીય સ્થાપત્યો અને ૫) પત્થર પર નકશીકામ વડે બનાવાયેલ ચોક્કસ પ્રસંગને દર્શાવતા સ્થાપત્યો. અહી મુખ્યત્વે ૬ રથ સ્થાપત્યો, ૧૦ મંડપ સ્થાપત્યો, ૩ માળખાકીય મંદિર સ્થાપત્યો અને ૨ ખડક પર નકશીકામ કરેલા સ્થાપત્યો જોવાલાયક છે. આ દરેક પ્રકારના સ્થાપત્યો મહાબલીપુરમ માં અલગ અલગ જગ્યા એ આવેલા છે તેથી નકશા પ્રમાણે રસ્તા માં આવતા જતા સ્થાપત્યો ની બદલે જો એકસાથે એક જ પ્રકાર ના સ્થાપત્યોની મુલાકાત લેવાય તો દરેક પ્રકારના સ્થાપત્યો ની વિશેષતા ઉડી ને આંખે વળગે છે તેમજ બારીકાઇ થી તેમના વિશે જાણી શકાય.
મહાબલીપુરમ ના ગુફા મંદિરો:
મહાબલીપુરમ ના મંડપ સ્થાપત્યો અથવા જેને ગુફા મંદિરો તરીકે ઓળખાય છે તે નામ પ્રમાણે ખડકને ગુફાની માફક પોલાણ બનાવીને બનાવાયેલ મંડપ છે. મંડપ એટલે ચોક્કસ આકારનો અને ટેકા માટે સ્થંભ ધરાવનાર ખંડ જે મુખ્યત્વે સામાજિક અથવા ધાર્મિક પ્રસંગ માટે વપરાય છે. મહાબલીપુરમ માં ૧૪-૧૫ આવા મંડપની માળખાકીય રચના વાળા ગુફા મંદિરો આવેલા છે. પરંતુ એક વાત અહી જાણવાલાયક ખરી કે મહાબલીપુરમના ઘણાખરા ગુફા મંદિરો અપૂર્ણ અવસ્થામાં છે. જેના થકી ૭મી સદી આસપાસ ની પ્રવર્તમાન ગુફા મંદિરોની બાંધકામ પ્રક્રિયા વિશે વિગત થી જાણવા માં મદદ મળી છે. જે મુજબ હસ્તકળા ના કારીગરો, સ્થાપત્યના શિલ્પીઓ સાથે મળી ને સૌપ્રથમ પત્થરમાંથી સ્થંભ ધરાવતું બાંધકામ કોતરતા અને ત્યારબાદ તેને નકશીકામ વડે આખરી ઓપ આપતા.
રિસોર્ટ થી નીકળી અમે સૌથી પહેલા રસ્તા માં ટાઇગર કેવ ખાતે મહાબલીપુરમ નું સૌપ્રથમ સ્થાપત્ય જોવા મળ્યું, જે ગુફા અથવા મંડપ સ્થાપત્યો માનું એક છે. દેવી શક્તિ( દુર્ગા/લક્ષ્મી) ને સમર્પિત આ સ્થાપત્ય પત્થર માંથી કોતરેલું એક વિશાળ સર્જન છે. વિશાળ મેદાન ની વચ્ચે આજુબાજુ ઊંચા તાડીના વૃક્ષોની વચ્ચે આવેલું આ સ્થાપત્ય એક જ પત્થર માંથી કોતરેલું હોવાથી વિશેષ આકર્ષણ છે, જેનો ઉપયોગ પ્રાચીન કાળ માં કદાચ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો માટે થતો હશે એવું કહી શકાય.
3
-Tiger cave – Picture source – Google
ત્યારબાદ અમે મહાબલીપુરમ ની મુખ્ય ટેકરી પાસે પહોચ્યા જ્યાં અન્ય ગુફા સ્થાપત્યો વરાહ મંદિર, ધર્મરાજ મંદિર અને મહિષાસુર મંદિર તેમજ આદિવરાહ મંદિર નિહાળ્યા. ટેકરી ની પશ્ચિમ બાજુ એ કોતરી ને બનાવાયેલ વરાહ મંદિર ભગવાન વિષ્ણુ ને સમર્પિત મંદિર છે જે તેમાં કોતરવામાં આવેલા શિલ્પ માટે પ્રખ્યાત છે. અહીના શિલ્પો માં ઉત્તર તરફ ની દીવાલે વરાહ અવતાર ને દર્શાવતું શિલ્પ, દક્ષીણ દીવાલ પર વામન અવતારના વિરાટ સ્વરૂપ એવા ત્રિવિક્રમ નું શિલ્પ, જયારે પાછળ ની પશ્ચિમ તરફ ની દીવાલ પર ચોરસ તકતી ની અંદર ગજ્લક્ષ્મી નું શિલ્પ મુખ્ય છે. એ સમય માં એકદમ સચોટ રીતે કંડારાયેલ આ શિલ્પો અચંબો પ્રેરે એવા છે. અહી પ્રવેશદ્વારના સ્થંભો થી થઇ મંડપ અને ગર્ભગૃહમાં પહોચી શકાય છે. મંદિર ના સ્થંભ પદ્મપીઠ (કમળની પાંદડીઓ ના આસન) પર પર બાંધવામાં આવેલ છે.
4
ત્રિવિક્રમ શિલ્પ – સ્ત્રોત ગુગલ
આ જ ટેકરી ની દક્ષીણ દિશાએ પત્થર કોતરી ને બનાવાયેલ ધર્મરાજ ગુફા મંદિર સાદી બાંધણી ધરાવતું મંદિર છે જેમાં પાતળા સ્થંભો અને અર્ધ મંડપ, મુખ્ય મંડપ અને ગર્ભગૃહ ને અલગ પાડે છે. શિવ ને સમર્પિત આ મંદિર ના ગર્ભગૃહ માં શિવલિંગ અને દ્વારપાળ દ્રશ્યમાન થાય છે. ૭ મી સદી માં પરમેશ્વર વર્મન ના શાસનકાળ દરમ્યાન બાંધવામાં આવેલ આ મંદિરમાં સંસ્કૃતમાં કંડારાયેલ શિલાલેખ પણ જોવા મળે છે.
આ જ ટેકરી ના દક્ષીણ છેડા પર જોવામળે છે વધુ એક ગુફા મંદિર : મહિષાસુરમર્દિની મંદિર. માર્કંડેય પુરાણના પ્રસંગો દર્શાવતા આ મંદિર પ્રવેશ માં ૪ સ્થંભો ધરાવે છે. અન્ય મહાબલીપુરમ મંદિરો થી અલગ આ મંદિર ના સ્થંભોમાં નરસિંહ ના બદલે સંપૂર્ણ સિંહ ની કોતરણી છે. આ એક અપૂર્ણ મંદિર છે જેમાં આંતરિક કોતરણીકામ પૂર્ણ છે અને બાકી નું બાંધકામ અપૂર્ણ છે જે વિવિધ શિલ્પી તેમજ હસ્તકલા કારીગરો ની સમાંતર બાંધકામ શૈલી દર્શાવે છે. મંદિર ની ઉત્તરીય દીવાલ પર એકદમ જટિલ નકશીકામ કરેલુ મહિષાસુરમર્દિની શિલ્પ તેમજ દક્ષીણ દીવાલ પર શેષસાયી વિષ્ણુ નું શિલ્પ કંડારવામાં આવેલ છે.
5
મહિષાસુર વધ ના પ્રસંગનું શિલ્પ – સ્ત્રોત ગુગલ
ટેકરી ની પશ્ચિમ બાજુ ના ઉત્તરીય છેડા પર આદિવરાહ મંદિર છે, જે વરહ મંદિર થી પહેલા બનાવાયેલ હોવાનું અનુમાન છે. ૭મી સદી માં રાજા નરસિંહ વર્મન પ્રથમ ના અરસા માં બનાવાયેલ આ મંદિર ની ગર્ભગૃહની પ્રવેશની દીવાલ પર ભગવાન વિષ્ણુના દશાવતાર નો શ્લોક શીલાલેખ તરીકે જોઈ શકાય છે.
અહી ટેકરી ની બીજી બાજુ એ એક વિશાળ ગોપુરમ (મંદિરનું મુખ્ય દ્વાર) જે રાયર ગોપુરમ તરીકે ઓળખાય છે ત્યાંથી થઇ રામાનુજ મંડપમ પહોચી શકાય છે જે બધા ગુફા મંદિરો માં સૌથી જટિલ નકશીકામ વાળું તેમજ એક પૂર્ણ મંદિર છે. હિંદુ સ્થાપત્ય કળા ના ઘણા અંગો અહી જોવા મળે છે જેમ કે અધિસ્થાન, અર્ધમંડપ, મુખ્યમંડપ, સ્થંભ, ગર્ભગૃહ, વગેરે. પરમેશ્વર વર્મન ના શાસનકાળ દરમ્યાન નિર્મિત આ મંદિર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ને સમર્પિત ૩ ખંડ ધરાવે છે. જેની પાછળની ભીંત પર શિવ પરિવાર નું દીવાલ પર નું નકશીકામ ધરાવતું શિલ્પ જોવા મળે છે. રુદ્રાવતાર ને સમર્પિત સંસ્કૃત લેખ પણ સ્થંભો માં જોવા મળે છે. આ ઉપરાંત અહી પંચપાંડવા મંદિર, કોનેરી શિવ મંદિર, ત્રિમૂર્તિ મંદિર અને થોડે દુર આવેલ અતીરન્ચંદા ગુફા મંદિરો પણ જોવા લાયક છે. જે સમય ના અભાવે અમે જોવાનું ટાળ્યું અથવા કહો કે જોઈ ના શક્યા.
મહાબલીપુર ના નકશીકામ ધરાવતા શિલ્પસ્થાપત્યો :
મહાબલીપુરમ ના એક્પત્થરી/મોનોલીથીક સ્થાપત્યો માંથી સૌથી ઉમદા સ્થાપત્ય હોય તો એ છે ગંગાવતરણ શિલ્પ. અર્જુન નું તપ અથવા ગંગાવતરણ તરીકે ઓળખાતું આ સ્થાપત્ય એક જ પત્થર માંથી કંડારાયેલું વિશાળ બારીક કોતરણી વાળું સ્થાપત્ય છે. વિશ્વના સૌથી મોટા મુક્તાકાશ નકશીકામ/bas-relief સ્થાપત્ય તરીકે પ્રખ્યાત અને એશિયાના સૌથી મોટા ઉપસાવેલા પાષાણ નકશીકામ સ્થાપત્યો / Rock reliefs માંનું એક એવું આ વિશાળ સ્થાપત્ય હિંદુ ધર્મની ગંગા અવતરણ ની કથા ને સલગ્ન પ્રસંગો ને આબેહુબ રીતે પ્રદર્શિત કરે છે જે ભગીરથ રાજા ના ગંગા અવતરણનું અથવા મહાભારત માં અર્જુનને શસ્ત્ર આપવા થયેલ ગંગાઅવતરણનું ચિત્રાંકન છે.
7
ગંગાવતરણ શિલ્પ : સ્ત્રોત ગુગલ

અહી બાજુમાં આવેલ વિષ્ણુ ગુફા મંદિર માં ગોવર્ધનધારી કૃષ્ણ નું શિલ્પ અદ્ભુત અને જોવાલાયક છે.  જયારે ગંગાવતરણની જમણી બાજુ ખુલ્લા મેદાનમાં જ કુદરત ની અજાયબી સમાન એક પ્રાકૃતિક પત્થર છે જે krishna’s butter ball તરીકે ઓળખાય છે. જે ખરેખર અચંબા માં મૂકી દે તેવો અડીખમ પત્થર છે.
8
-ક્રિશ્ના બટર બોલ – ફોટો – આદિત્ય દેસાઈ
   
મહાબલીપુરમ ના સ્વતંત્ર મંદિર સ્થાપત્યો :
હવે અમે મમલ્લાપુરમના જાણીતા સ્થાપત્યોમાનું એક એવું “શોર ટેમ્પલ” નામનું સ્થાપત્ય જોવા પહોચ્યા, જે ભૌમિતિક આકાર પર આધારિત માળખાકીય મંદિર છે. આ મંદિર અહીના અન્ય સ્થાપત્યો થી અલગ છે, કેમ કે એક પત્થર ને બદલે તે અનેક પત્થરો ને જોડી ને બનાવાયેલું એક ચોક્કસ આકારનું મંદિર છે. ખુબ સુંદર રીતે બનાવેલ આ મંદિર શિવ, શક્તિ અને વિષ્ણુ ને સમર્પિત કુલ ૩ મંદિર નો સમૂહ છે. અહીની વધુ એક વિશેષતા એ છે કે અન્ય શૈવ મંદિરો ની જેમ એક જ નંદી ને બદલે અહી નંદી મંદિરના સંપૂર્ણ પરિઘમાં, બાહ્ય દીવાલ પર ફેલાયેલ છે જે મંદિર નું રક્ષણ કરતા હોવાનો ભાવ ઉભો કરે છે. જેને લીધે મંદિર ની સુંદરતા વધી જાય છે. ૬૦ ફીટ ઊંચું આ મંદિર જમીન થી અદ્ધર ઓટલા પર બનાવાયેલ છે. મંદિર માં પ્રવેશવા નંદી યુક્ત બાહ્ય દીવાલ પર થી નીચે ઉતરીને સાંકડી શેરી જેવી જગ્યા થી પસાર થઇ, મુખ્ય દ્વાર જેવા બે સ્તંભ વચ્ચે થી ખુલ્લા મેદાન માં પ્રવેશી, મંદિરના પગથીયા ફરી ચડી ને પહોચી શકાય. જે ખુદ માં એક અનોખી રચના છે. આ મંદિર પલ્લવ રાજા રાજાસીમ્હા ના સમયકાળમાં એટલે કે ૮મી સદીના પૂર્વાર્ધ માં બનાવાયેલ હોવાનું પ્રતિપાદિત થાય છે. એકદમ દરિયા કિનારે અડીને આવેલ હોવાથી આ મંદિર શોર ટેમ્પલ એટલે કે કિનારાનું મંદિર તરીકે ઓળખાય છે. આ સુદર અને મોકા નું સ્થાન અને બાજુ માં મહાબલીપુરમ નો લાંબો દરિયાકિનારો કોઈ અલગ જ દુનિયા માં પહોચી ગયા નો ભાવ જન્માવે. સોનેરી રેતીયુક્ત દરિયાકિનારા ને અફળાતા અને ઉછાળા મારતા મોજા અને રંગબેરંગી નૌકાઓ સાથે મળી કોઈ વોલપેપર જેવું સુદર દ્રશ્ય ઉભું કરતા હતા. પ્રસિદ્ધ મહાન પ્રવાસી માર્કો પોલો જયારે દક્ષિણ ભારત પાસે થી પસાર થયો ત્યારે તેણે જોયેલા “સાત પગોડા” માં નું એક કદાચ શોર ટેમ્પલ હોઈ શકે અને એ નગર મહાબલી પુરમ હોઈ શકે એવો અમુક ઇતિહાસવિદો નો દાવો છે. વિશાળ મેદાન પર, દરિયાકિનારા પાસે આવેલું, મધ્યકાલીન તમિલ હિંદુ સ્થાપત્ય શૈલી દર્શાવતું આ મંદિર અત્યાર સુધી સચવાયેલું અને મહાબલીપુરમના મંદિર સ્થાપત્યોમાં સૌથી શ્રેષ્ઠ મંદિર સ્થાપત્ય છે.
10
 -શોર ટેમ્પલ – (Both Pictures by Aditya Desai )
આ ઉપરાંત મહિષાસુરમર્દિની ગુફા મંદિર ની બરોબર ઉપર ની બાજુ એ આવેલું ભૂખરા ગ્રેનાઈટ પત્થરો વડે બનાવાયેલ ઉલ્લીકન્નેશ્વરા (ચંદ્રભૂષણ શિવ) મંદિર પણ એક સ્વતંત્ર પરંતુ અપૂર્ણ મંદિર સ્થાપત્ય છે. બ્રિટીશકાળ માં ૧૯મી સદી ના આરંભ પહેલા આ મંદિર ની છત નો ઉપયોગ દીવાદાંડી તરીકે થતો હોવાનું ઈતિહાસકારો જણાવે છે. રાજા રાજસીમ્હાના શાસનકાળ દરમ્યાન બનેલ એક વધુ મંદિર મુકુન્દનયનાર મંદિર ટેકરી ની ઉત્તરે આવેલું એક સાદી બાંધણી ધરાવતું ચોરસ આકાર નું સ્વતંત્ર મંદિર છે.
11
મહિષાસુરમર્દિની ગુફા મંદિર (નીચે) ઉલ્લીકનેશ્વરા મંદિર (ઉપર) – સ્ત્રોત : ગુગલ
મહાબલીપુરમ ના રથ મંદિરો:
બપોર ના ૩ વાગ્યા હતા અને ભોજન લીધા વિના અમે આમતેમ વિવિધ સ્થાપત્યો ની શિલ્પકળા થી અભિભૂત થઇ ફરતા હતા. હવે વારો હતો રથ મંદિરોને નિહાળવાનો. દરિયાકિનારે વાતા ઠંડા પવનની લહેરખીઓ ની મજા માણતા અમે દક્ષીણ મહાબલીપુરમ ખાતે આવેલા અન્ય એક સ્મારક સમૂહ પર જે મહાબલીપુરમ નું એક પ્રસિદ્ધ અને વૈશ્વિક સ્તરે ગણના પામેલું સ્થાપત્ય છે : પાચ રથનો સમૂહ. ૭મી શતાબ્દી માં બંધાવાયેલ આ રથ મંદિરો મહાભારતના ૬ પાત્ર ધર્મરાજ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, દ્રૌપદી અને નકુલ-સહદેવ ના નામ પરથી ઓળખાય છે. જો કે મહાભારત સાથે આ સ્થાપત્યો ને અન્ય કોઈ બાબતે જોડાણ નથી. એક જ પત્થર માંથી બનાવાયેલ આ સ્થાપત્યો મુખ્યત્વે મંદિર છે જે શિવ, પાર્વતી અને વિષ્ણુ, ગણેશ ને સમર્પિત છે. પલ્લવકાળ ના કારીગરો નો ઉત્કૃષ્ટ અને ઉમદા નમુના સમાન આ મંદિરો ધ્યાનાકર્ષક છે. મંદિરો માં કોતરેલ શિવ, વિષ્ણુ, નટરાજ, સૂર્ય, વગેરે ની મૂર્તિઓ ધ્યાન ખેચે છે અને યાદ રહે દરેક મંદિર ગ્રેનાઈટના મોનોલિથિક/એક જ પત્થર માંથી બનાવાયેલા  સ્થાપત્યો છે, જે એ સમય ની કારીગરોની કુશળતા ની દાદ માંગી લે તેવા છે. અહી દરેક સ્થાપત્ય ઉત્તર-દક્ષિણ ધરી પર છે જેમાં ધર્મરાજ રથ દક્ષીણે, તેની ઉત્તરે અનુક્રમે ભીમ રથ, અર્જુન રથ અને દ્રૌપદી રથ છે. જયારે નકુલ-સહદેવ રથ સયુંકત રીતે બંધાવાયેલ છે. દ્રૌપદી રથ ની પશ્ચિમે ઉભેલો સિંહ, પૂર્વ માં નંદી તેમજ દક્ષીણ-પશ્ચિમે એક વિશાળકાય હાથી નું સ્થાપત્ય છે. નકુલ-સહદેવ સિવાય ના દરેક રથ મંદિર પશ્ચિમ પ્રવેશદ્વાર ધરાવે છે. દરેક રથ મંદિર એક વિશાળ ખડકીય પ્લીન્થ ધરાવે છે, જેના પ્રવેશદ્વારમાં દ્વારપાળ કોતરેલા છે. મંદિર ની અંદર ગોખલા કોતરવામાં આવ્યા છે અને તેની અંદર ઉપસેલા દેવી દેવતા, મત્સ્ય અવતાર, વરાહ અવતાર વગેરે જોઈ શકાય છે. ફરી યાદ અપાવવાનું કે આ રથ મંદિર ની દરેક ભાત, સ્થંભ, ગોખલા, તેની અંદર દેવી દેવતાની ઉપસેલી મૂર્તિ, વગેરે એક જ પત્થર છે ત્યાં સુધી કે મંદિર ચડવાના પગથીયા પણ. કોઈ જગ્યા એ સાંધો નથી ,માનવામાં આવી શકે? આટલું સુદર અને બારીક કોતરણી કામ તે જમાના માં કોઈ પ્રકાર ના આધુનિક ઓજાર વગર કરવું એ દાદ તો માંગી જ લે છે પણ એક અનોખું આશ્ચર્ય ઉભું કરે છે.   
ધર્મરાજ રથ લંબચોરસ માળખા માં ઉભું કરાયેલું ચોરસ આકારની બાંધણી ધરાવતું રથ મંદિર છે, જે બાહ્ય દીવાલો પર સ્તંભ ધરાવતી કમાનાકીય ઓસરી અને પીરામીડ આકારના શિખર પર ઘટતા જતા ચોરસ માળ વાળું માળખું ધરાવે છે. તેનું શિખર અષ્ટકોણીય છે. દરેક સ્તંભ માં નીચે ના ભાગે સિંહ ની મુખાકૃતિ ધ્યાનાકર્ષક છે. મંદિર ના દરેક ખૂણે ગોખલામાં શિવ, અર્ધનારેશ્વર, હરિહર, અને કાર્તિકેય-બ્રહ્મા-વિષ્ણુ, ની મૂર્તિ ઓ કોતરવામાં આવેલી છે. જયારે ભીમ રથ એક અલગજ પ્રકાર ની ભૌમિતિક ભાત ધરાવે છે. લગભગ ૪૫ ફીટ લાંબા અને ૨૫ ફીટ પહોળા તેમજ ૨૫ ફીટ ઊંચા આ મહાકાય બાંધકામ સુરંગ જેવી માળખાકીય રચના ધરાવે છે.  આ મંદિર કદાચ શેષશાયી વિષ્ણુ માટે બનાવાયેલ મંદિર હશે જેથી તે અત્યંત વિશાળ તેમજ અંદર ની બાજુ એ કોઈ સ્તંભ વગર નું મંદિર છે. આ મંદિર જટિલ રીતે કોતરણી કામ કરેલા તેના શિખરી ભાગો અને સાત ગવાક્ષો થી અલંકૃત છાજલી ધરાવે છે. ઉપરાંત દરેક બાજુ એ ૫ ગોખલા જેવી રચના મંદિર ના શિખર ને અલગ જ ઓપ પ્રદાન કરે છે. અર્જુન રથ મંદિર ધર્મરાજ રથ મંદિર જેવી જ રચના ધરાવે છે પણ તેનું શિખર ષષ્ટકોણીય છે અને મંદિર પ્રમાણ માં નાનું છે. તેની બાહ્ય દીવાલ પર ૧૪ વિવિધ શિલ્પો કંડારવામાં આવેલા છે જેમાં ૪ દ્વારપાળ અને અન્ય ૧૦ સામાન્ય મનુષ્ય ના શિલ્પો છે જે જીવન ની અલગ અલગ અવસ્થાઓ નો ઉલ્લેખ કરતા જણાય છે. દ્રૌપદી મંદિર એક નાનકડી ઝુપડી જેવું મંદિર છે. અહી દુર્ગાના મહિષાસુરમર્દિની અવતાર વાળું શિલ્પ ધ્યાનાકર્ષક છે. જયારે નકુલ-સહદેવ રથ મંદિર બાકી તમામ કરતા અલગ અને વિશિષ્ટ પ્રકાર નું મંદિર છે જેની રચના પ્રાચીન હિંદુ મંદિરો થી અલગ અને બૌદ્ધ સંપ્રદાય ના ચૈત્ય ખંડ જેવી છે. દરેક રથ કોઈ જગ્યા એ તિરાડ વગર કોતરવામાં આવેલા એક્પત્થરીય મંદિર નું ઈજનેરી દ્રષ્ટી એ કુતુહલપ્રેરક બાંધકામ કાબીલેદાદ છે.  

12
-પાંચ રથ By Aditya Desai
મહાબલીપુરમમાં લગભગ નવેક કલાક ફરી ને અમે મોટા ભાગનું સ્થાપત્ય નગર જોઈ લીધું. મધ્યકાલીન યુગ ના એ શિલ્પીઓ અને હસ્તકળાના મહાન કારીગરો પર માન થવું સ્વાભાવિક હતું. કોઈપ્રકાર ના આધુનિક ઓજાર ની ગેરહાજરી છતાં એક જ પત્થર માંથી, નાની સરખી તિરાડ વગર કોતરેલ વિશ્વની આ અજાયબી સમાન સ્થાપત્યો થી દિગ્મૂઢ થઇ આશ્ચર્ય ના ભાવ સાથે અને ભવિષ્યમાં ફરી પાછા ૨-૩ દિવસ અહી ગાળવાની નેમ સાથે અમે ચેન્નાઈ પાછા ફર્યા અને રાત્રે નીલગીરી એક્સપ્રેસ માં બેસી ઉટી તરફ અમારો પ્રવાસ આગળ વધાર્યો. વિશ્વ ધરોહર માં સ્થાન પામેલ આ જગ્યા સ્થાપત્ય કળા ની દ્રષ્ટિએ તો વખાણવાલાયક ખરી જ પણ પ્રાકૃતિક દ્રષ્ટીએ પણ માણવા જેવી છે. મહાબલીપુરમ ના તમામ સ્થાપત્યો ને બારીકાઇ થી જોતા અને સમજતા ૨ થી ૩ દિવસ નો સમય પણ ક્યાં પસાર થઇ જાય એ ખબર ના પડે. આજ થી ૧૨૦૦-૧૩૦૦ વર્ષ પહેલા ના સમયકાળમાં એક જ પત્થર માંથી કોતરેલ મૂર્તિઓ નહિ પણ પુરેપુરા મંદિર આજે પણ હયાત છે એ જાણી ને આશ્ચર્ય થયું હોઈ કે આ લેખથી અતિશયોક્તિ જેવું લાગતું હોઈ તો જાતે જ જઈ ને ખરાઈ કરી લો…!!!

એક નજર આ તરફ :
-મહાબલીપુરમ ચેન્નઈ થી ૬૦ કીલોમીટરના નજીવા અંતરે આવેલું છે અને ઇસ્ટર્ન કોસ્ટલ વે થી અહી એકાદ કલાકમાં પહોચી શકાય. રહેવા માટે અહી દરિયા કિનારે અનેક સુંદર રિસોર્ટસ આવેલા છે.
-મહાબલીપુરમ ની મુલાકાત લેવા નવેમ્બર થી જુન નો સમય ઉત્તમ છે. મુલાકાત માટે એક રાત્રી રોકાણ અને એક આખો દિવસ ઉત્તમ રહેશે. 
-મહાબલીપુરમ માં ૧૦-૧૨ સ્થાપત્યો અને સ્થળો આવેલા છે જે નજીક નજીક માં જ છે. પહેલે થી ઈતિહાસ અને સ્થાપત્યો નું અધ્યયન કરી ને જશો તો જગ્યાનું અને સ્થાપત્યો નું મહત્વ અને તેને જોવાની જીજ્ઞાસા માં વૃદ્ધિ થશે. તેમ છતાં ગાઈડની સુવિધા અહી ઉપલબ્ધ છે. તેમજ રીક્ષા વડે ૫૦૦ રૂ. માં બધા સ્થાપત્યો ની મુલાકાત લઇ શકાય છે.
-અહી ક્રોનીકલ્સ ઇન્ડિયા નામનું ૭DX થીએટર આવેલું છે જે પલ્લવ યુગ ના ઈતિહાસ વિશે જાણવા માટે ઉત્તમ માધ્યમ છે. સંપર્ક : 8939004444.
-આ ઉપરાંત પંચ રથ સ્થાપત્ય સમૂહ પાસે India Seashells Museum આવેલું છે જેમાં ૪૦૦૦૦ પ્રકારના વિવિધ દરિયાઈ છીપ, શંખ, દરિયાઈ જીવ વગેરે સાચવવામાં આવ્યા છે. બાળકો અને મોટેરાઓ માટે નિહાળવાલાયક સંગ્રહાલય સવારે ૮ થી રાત્રે ૮ સુધી ખુલ્લું રહે છે. વધુ માહિતી: http://indiaseashellmuseum.in/ પરથી મેળવી શકાશે.  
-ચેન્નાઈ રેલ મ્યુઝીયમ સોમવારે બંધ રહે છે. અહી પ્રવાસીઓ માટે ICF ની ફેક્ટરીની મુલાકાત માટે પણ વ્યવસ્થા છે.

Written by :
Aditya C. Desai
#GujjuTravelerAditya
#Mahabalipuram #Chennai #RailwayMuseum #Mamallapuram #ShoreTemple #Panchrathas #TigerCave

Thursday 24 January 2019

કોંકણના બે અનમોલ રતન : ગણપતિપુળે અને વેલ્લણેશ્વર

કોંકણના બે અનમોલ રતન : ગણપતિપુળે અને વેલ્લણેશ્વર

You can visit my Vlog : Pagdandi-Ganpatipule
રવાનો શોખ તો સૌને હોય જ છે પણ પહેલા ભણતર પૂરું કરવાની પ્રાથમિકતા અને પછી નોકરીમાં જવાબદારી ની પ્રાથમિકતા આ શોખ ને હાલરડું ગાઈ ને સુવડાવી દે છે અને જયારે ફરવા જવા માટે સમય મળતો થાય ત્યારે જે તે સ્થળ ને પૂર્ણતા થી પામવા માટેની ઉર્જા ઘણુંખરું કરી ને ક્ષય પામી ચુકી હોય છે. ખરેખર, મનુષ્ય ભૌતિક જીવન ચક્ર ની એવી જાળમાં ફસાઈ જાય છે કે સ્વ ને પામવા નો રસ્તો જડ્યો જડે નહિ. તત્વજ્ઞાન ને હાલપૂરતું બાજુ એ મુકીએ, બાકી તમને લાગશે કે આ કોઈ ખોટો બ્લોગ વાંચવા બેસી ગયા.
ભારત દેશ વિવિધતા નો દેશ છે. અહી હિમાલય ની વાદીઓ માં સફેદ રૂ ની પૂણી જેવો બરફ તો રાજસ્થાન નું સોનેરી ચળકતું થાર નું રણ તો વળી કચ્છ માં સફેદ રણ ની ક્ષિતિજહીન ચાદર. અહી બારમાસી જંગલો થી લઇ પાનખર જંગલો નું જાળું વણાયેલું છે. અહી ખળ ખળ વહેતી નદીઓ થી લઇ ઉફળતા મોજા સાથે ના સમુદ્ર નું સૌન્દર્ય પથરાયેલું છે. આટલું વૈવિધ્ય દુનિયા ના કોઈ દેશ કે પ્રદેશ માં નથી એ વાત યાદ રાખજો. આથી હું ઇચ્છુ છુ કે સૌથી પહેલા મારા દેશને ઓળખું. મેં છેલ્લા ૯ વર્ષ થી એક પ્રથા સ્વયમશિસ્તતા થી જાળવી રાખી છે કે શિયાળા અને ઉનાળામાં મહિના માં ઓછા માં ઓછુ  એક વાર અને ચોમાસા માં દર અઠવાડિયે, આસપાસ ના કે દુર ના, જોયેલા કે ના જોયેલા, પ્રવાસી ઓ થી ભરપુર કે પછી પ્રવાસી ઓ તો ઠીક મોબાઈલ નો ટાવર પણ દુર દુર સુધી જોવા ના મળે એવી જગ્યા ઓ એ જઈ મન પ્રફુલ્લિત કરવું અને થોડા માં ઘણું જીવી લેવું અને પ્રકૃતિને ખુલ્લા મન થી માણવી. પ્રવાસી જીવ તો ખરો જ પણ લોકો સુધી મારા પ્રવાસ ને પહોચતો કરવો એ મને વધારે ગમતું કામ છે.
હાડ થીજાવતો શિયાળો હોઈ, ધોમધખતો ઉનાળો હોઈ કે પછી બારેમેઘ ખાંગા થઇ ને વરસતું ચોમાસું, એક જગ્યા હમેશા પાણી થી તરબર રહે છે અને એ છે સમુદ્ર. અફાટ જળરાશી વડે ઘૂઘવતો સમુદ્ર અને સમુદ્ર તટ ની સુંદરતા બારેમાસ તમને મોહક જ લાગશે. ભારતના લગભગ ૭૫૦૦ લાંબા સાગર કિનારે કોઈ પણ જગ્યા એ ચાલ્યા જાઓ, તમને મળશે એક બીજા થી અલગ સમુદ્રતટ અને એક નવો જ રોમાંચ. આવો જ એક સુંદર સમુદ્ર તટ મહારાષ્ટ્ર ના કોંકણ પ્રદેશ માં રત્નાગીરી જીલ્લા માં આવેલો છે જે સ્વયમ ગણપતિ ને પણ એટલો પ્રિય છે કે એણે પોતે કાયમ માટે ત્યાં વસવાટ કરેલો છે, અને મહારાષ્ટ્ર ની લગભગ ૭૦૦ કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટી માં સૌથી નયનરમ્ય સાગરકિનારો કહી શકાય એવું સ્થળ એટલે  – ગણપતિપુળે. કોંકણ પ્રદેશ માં એક એક થી ચડિયાતા સ્થળો અને સમુદ્રકિનારા છે જેમાં સૌથી સુંદર કહી શકાય એવો કિનારો એટલે ગણપતિપુળે અને વધુ સુંદર છે આ સ્થળ સુધી પહોચવાની યાત્રા.
આ જગ્યા ની મુલાકાત આમ તો કોઈપણ ઋતુ માં કરી શકાય અને દરેક ઋતુ માં આ જગ્યા તમને મનમોહક જ લાગશે. પરંતુ ખાસ કરીને ચોમાસામાં રત્નાગીરી આસપાસ નો વિસ્તાર લીલીછમ ચાદર વડે ઢંકાય જાય છે. પશ્ચિમ ઘાટ ની સહ્યાદ્રી પર્વતમાળા ની પશ્ચિમે આવેલો આ વિસ્તાર અહી ની આવી જ હરિયાળી થી સજેલી શ્રુષ્ટિ માટે ખુબ જ મનમોહક અને રમણીય બની રહે છે.
આવી જગ્યા એ ફરવા માટે પોતાનું વાહન હોઈ તો સફર માં ચાર ચાંદ લાગી જાય એમાં બેમત નહિ. જ્યાં ઉભા રહેવા નું મન થાય, ત્યાં વાહન થોભાવીને બે ક્ષણ પ્રકૃતિ ના નયનરમ્ય સ્વરૂપ ને નિહાળવાની, એ ક્ષણ ને કેમેરા માં કંડારી લેવાની તલપ જ કઈક અનોખી બની રહે છે.
ઘણા વખત પહેલા, મારા ખ્યાલ મુજબ લગભગ ૨૦૧૩ કે ૨૦૧૪ માં મહારાષ્ટ્ર ના પ્રવાસન વિભાગ ના એક કાર્યક્રમ માં ગણપતિપુળે, વેલ્લણેશ્વર, હરિહરેશ્વર, શ્રીવર્ધન, તર્કર્લી જેવા અદભૂત અને ઐતિહાસિક સ્થળો વિશે જાણ્યા બાદ મને પણ આ જગ્યા એ જવાની તલપ લાગેલી. એ તરસ છેવટે ૪-૫ વર્ષના લાંબા સમયગાળા પછી ૨૦૧૮ ના જુન મહિના માં છિપાણી. કારણ હતું: બધા પરિવારજનો ને રજા નો મેળ અને હોટેલ્સ માં રૂમ્સની ઉપલબ્ધતા. સ્થળની પસંદગી એવી કરવાની હતી કે ફરવાની દ્રષ્ટિ એ પણ ગમે અને ધાર્મિક રીતે પણ સ્થળ મહત્વ નું હોય. આવું સ્થળ ગણપતિપુળે સિવાય બીજું કયું હોઈ.
કોંકણ – ચોમાસા નું સ્વર્ગ:
પ્રકૃતિનું કઈક નવું સ્વરૂપ જોવા અને નવો અનુભવ મેળવવાની આશા સાથે અમે, અમારી SUV લઇ ને નીકળી પડ્યા. વડોદરા થી શુક્રવારે સાંજે ૬એક વાગે નીકળી અમે જુના ગીતો ને સથવારે, કામરેજ ટોલ પ્લાઝા પાસે સાંજ નું ભોજન લઇ રાત્રે લગભગ દસેક વાગ્યા ની આસપાસ વાપી પહોચ્યા. અમારા કોઈપણ પ્રવાસો માટે અમે એક પ્રથા કહી શકાય એવી ગોઠવણ કરી છે કે વડોદરા થી સાંજે નીકળી ૪-૫ કલાકની યાત્રા કરી જેતે સ્થળે પહોચી ત્યાં રાતવાસો કરી વહેલી સવારે આગળ ની યાત્રા કરવી જેથી સમય નો સદુપયોગ થાય અને યાત્રા માં પૂરતા પ્રમાણ માં આરામ મળી રહે. શનિવારે વહેલી સવારે યાત્રા નો આગળ નો તબક્કો શરુ કર્યો જેમાં રસ્તા માં આવતા વિવિધ ઝરણા, નદીઓ, પર્વતો સાથે વાતો કરતા કરતા અમે ગુજરાત છોડી મહારાષ્ટ્ર માં દાખલ થયા અને મોબાઈલ નામ ના રમકડામાં પણ “વેલકમ ટુ મહારાષ્ટ્ર” જેવા સંદેશા ટપકી પડ્યા. વાપી પછી ના રસ્તાની યાત્રા, પોતાના માં એક અલગ જ અનુભવ ની છાપ છોડે છે. રસ્તાની બધી બાજુ એ ઊંચા ડુંગરો, ડુંગર ની ઓથે ઉપર ચડતા, હાલતા ને ચાલતા વાદળો, ક્યારેક પર્વતને ઢાંકીદે તો ક્યાંક એકદમ નીચે આવી પર્વત ની તળેટી ઢાંકી દે અને જાણે એ પર્વત હવા માં અદ્ધર તરતો હોઈ એવું લાગે. અને હાઇવે જાણે અડગ પર્વતને ચીરતો આગળ વધતો હોઈ તેવું સતત લાગ્યા કરે. ચોમેર હરિયાળી ધરતી ની સાથે સાથે પુરપાટ કાર હંકારવાનો રોમાંચ ચરમસીમા એ પહોચે અને થોડી ક્ષણ માટે કાચ ઉતારી પામી શકાતો વાતાવરણ ની ગુલાબી ઠંડકનો એ અનુભવ, પ્રવાસ ને સોનેરી અક્ષરો થી યાદગાર બનાવી દે. આવો સરસ મજાનો અવિસ્મરણીય અનુભવ લેતા લેતા અમે વાયા મુંબઈ પુને એક્સપ્રેસ વે પર ખાલાપુર ટોલપ્લાઝાથી પાલી ના રસ્તે આગળ વધ્યા. અહી પાલી ખાતે અષ્ટવિનાયક ગણપતિઓ મા ના એક શ્રી બલ્લાલેશ્વર ગણપતિજી ના દર્શન નો લહાવો લીધો તેમજ પ્રસાદી ભોજન નો લાભ લઇ અને નાગોથાણે તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૬ સાથે સંમિલિત થવા આગળ વધ્યા.
અહી થી માણગાવ-મહાડના રસ્તે અમે આગળ વધ્યા. મહાડથી ૨૫ કિલોમીટર દુર આવેલો છે મરાઠા સામ્રાજ્ય ના ભવ્ય ભૂતકાળ નો સાક્ષી એવો રાયગઢ કિલ્લો જે સતત ૩૦ વર્ષ સુધી છત્રપતિ શિવાજી ના સમય (ઈ.સ. ૧૬૫૨) ની  મરાઠા સામ્રાજ્ય ની રાજધાની અને સત્તા નું કેન્દ્ર રહ્યો. આ કિલ્લા વિશે વિગતવાર વાત ફરી ક્યારેક કરીશું. મહાડમાં રાત રોકાઈને ચોમાસા ના ભરપુર વરસાદ નો લહાવો લીધો.
konkan 1
કોંકણ અને ચોમાસું : શ્રીરામ નો ભરતમેળાપ (Picture by : Aditya Desai)
બીજે દિવસે એટલે કે રવિવારે અમે યાત્રાને આગળ ધપાવી અને ધોધમાર વરસાદ આગળ અમારી વાટ જોતો ઉભો હતો, જાણે કોઈ મુસાફર ગંતવ્ય સ્થાન પર પહોચવા બસ કે ટ્રેન ની વાટ ના જોતો હોઈ!!! ચારે તરફ વરસાદી માહોલ જામ્યો હોઈ અને એવા ખુશનુમા વાતાવરણ માં આપણી મુસાફરી ધીરે ધીરે આગળ વધતી હોઈ ત્યારે સ્વદેશ પિક્ચર નું પેલું ગીત યાદ આવ્યા વગર રહે નહિ. “યુ હી ચલ આ, ચલ એ રહી, યુહી ચલ આ. કિતની હસીન હૈ યે દુનિયા…” ખરેખર આપણી આસપાસ ની દુનિયા કેટલી રંગીન, વિવિધ વેશભૂષા થી સજ્જ અને ખુલ્લા હૃદયે આવકાર આપનારી છે એ તો આવો કોઈ પ્રવાસ ખેડો ત્યારે ખબર પડે. મહાડ થી પોલાદપુર થઇ કશેડી ઘાટ નામ ના અત્યંત સોહામણા અને નયનરમ્ય ઘાટ પરથી પસાર થઇ અમે ચિપલુણ તરફ આગળ વધ્યા. મહારાષ્ટ્રમાં ખાસ કરીને વરસાદ પડ્યા પછી જો તમે પ્રવાસ અર્થે નીકળો તો તમને અનેક સુંદર અને રમણીય ઘાટો જોવા મળશે જે તમારી યાત્રાને અનેક યાદોથી ભરી દેશે, તેમાં પણ જો તમે તમારી કાર લઇને પ્રવાસે નિકળ્યા હોવ તો આ યાત્રામાં તમે અનેક ન ભૂલી શકાય તેવી ક્ષણોને તમારી યાદોમાં સમાવી શકો છો. કશેડી ઘાટ એ મહારાષ્ટ્ર ના સૌથી જોખમી ઘાટમાનો એક છે. ભારત હોય કે પછી વિશ્વનો અન્ય કોઇપણ પ્રદેશ કારચાલક રસિકોને (કે પછી મારા જેવા સાહસિકોને) એવા રસ્તા ચોક્કસપણે મળી જશે જ્યાં ભરપુર સાહસની સાથોસાથ પ્રકૃતિની આહલાદકતા ને માણવાનો લ્હાવો પણ મળી રહે. કશેડી ઘાટ એવો જ એક અપ્રતિમ સૌદર્ય અને સાહસિક વણાંકો થી ભરેલો ઘાટ રસ્તો છે. આ રસ્તે કુદરત ના સાનિધ્યને માણતા માણતા અમે વાયા ખેડ ચિપલુણ પહોચ્યા.
konkan 2કશેડી ઘાટ નું અપ્રતિમ સૌદર્ય (Image soured : Google)
konkan 3ખેડ પાસે હનુમાન ટેકરી નામની જગ્યા એ થી જોવા મળતું દ્રશ્ય કઈક આવું હોઈ. (Picture by : Aditya Desai)
આ વિસ્તાર ની અદભૂત સુંદરતાએ મારું મન મોહી લીધું અને મેં કોંકણ વિસ્તાર માં ચોમાસા દરમ્યાન એક વખત તો પ્રવાસ કરવો જ એવી નેમ લઇ લીધી. સહ્યાદ્રી પર્વતમાળા માં સાપુતારા થી લઇ કેરળ સુધી તમે પ્રવાસ કરો અને કુદરત ના વખાણ કરો એ બંને ક્રિયાથી પણ થાકો નહિ એની ગેરંટી. જૈવ વિવિધતા એટલે કે Bio-Diversity થી ખદબદતો આ પ્રદેશ એટલો વિશાળ છે કે હજી સુધી કાયમી પ્રવાસીઓ થી અલિપ્ત છે અને એ જ સારું છે હું તો કહું.
કાર ના પ્રવાસ માં વારંવાર થોભવા નું મન થાય અને કચકડે કંડારી લેવાનું મન થાય એવા વોલપેપર જેવા દ્રશ્યો સતત તમારી આંખ સામે આવ્યા કરે. ક્યારેય ભૂલાય નહિ એવા દ્રશ્યોને મગજ ના લોંગ ટર્મ મેમરી વાળા ખૂણે સગ્રહી અમે ગણપતિપુળે તરફ સફર ને આગળ વધારી. રસ્તા માં કોંકણ રેલ્વે ના ઊંચા પુલ અને ટ્રેક સફારીના લેખ ની યાદ અપાવી ગયા. ખરેખર મોઢા માં આંગળા નાખી જવાય એવી ઈજનેરી અજાયબી જેવા આ ટ્રેક નો છાશવારે ભેટો થયા કરે.
જેમ જેમ ગંતવ્ય સ્થાન નજીક આવતું ગયું એમ એમ અમારી ઉત્સુકતા માં વધારો થતો ગયો. ઉત્સુકતા નું કારણ એ હતું કે ગણપતિપુળે માત્ર ૧૪ કિલોમીટર દુર હતું છતાં અમે હજી પર્વતો ની ઉપર હિલ સ્ટેશન જેવા પર્વતીય મેદાન પ્રદેશ માં ફરતા હતા. દુર દુર સુધી દરિયાદેવ ની ઝલક નહોતી મળતી. અને વધુ આશ્ચર્ય એ હતું કે સમુદ્રકિનારે થી અમે હવે માત્ર ૪ કિલોમીટર દુર હતા છતાં સમુદ્ર સપાટી થી ૧૫૦ મીટર જેવી ઉંચાઈ પર કાર હંકારી રહ્યા હતા. અચાનક એક ટેકરી પર થી વણાંક લેતા ની સાથે જ સામે નું દ્રશ્ય અચંબો પમાડી ગયું. ૧૫૦ મીટર જેવી ઉંચાઈ થી સામે સાક્ષાત વરુણદેવ ના દર્શન. એ દ્રશ્ય ખરેખર લાખો મેં એક જેવું દ્રશ્ય હતું. આટલું વિહંગમ દ્રશ્ય ભાગ્યે જ કોઈ જગ્યા એ જોવા મળે, જ્યાં પર્વતો ની પેલી બાજુ એ સમુદ્ર જોવા મળે. ૩-૪ સતત “હેરકલીપ” વણાંક લઇ રસ્તો સમુદ્ર સપાટીને લગોલગ આવી જાય છે. સાંજ ના ૪ વાગ્યા હતા અને સરસ મજા નો ઠંડો પવન, લહેરાતા સમુદ્ર ના મોજા અને કિનારા સાથે અફળાય ત્યારે થતો ઘુઘવાટ પ્રવાસના અનુભવને સાત માં આસમાને લઇ ગયો હતો. રિસોર્ટ પર પહોચી અમે સામાન મૂકી ને પહોચ્યા ગણપતિજી ના દર્શને.
konkan 4આટલું વિહંગમ દ્રશ્ય ભાગ્યે જ કોઈ જગ્યા એ જોવા મળે, જ્યાં પર્વતો ની પેલી બાજુ એ સમુદ્ર જોવા મળે. (Image source : Google)
સ્વયમ ગણપતિનો મનપસંદ સાગરકીનારો : ગણપતિપુળે
ગણપતિપુળેની ગણેશ મૂર્તિ સ્વયંભુ છે, એટલે એમ કહી શકાય કે આ સ્થળની સુંદરતાએ ગણેશજી ને અહી વસવા પ્રેરણા આપી હશે. અહી મરાઠી માં पुळे શબ્દ નો અર્થ રેતીનો ઢુવો અથવા સફેદ રેતી નો ઢગલો થાય છે અને સફેદ ચાંદી ની માફક ચળકતી રેતી ના આ સુંદર અને રમણીય સાગરતટ પર એક વાર આવો એટલે વારંવાર અહી આવવા નું મન થયા વગર રહેશે નહિ. લોકવાયકા મુજબ કોઈ સ્ત્રીએ કરેલા ટોણા ને કારણે ગણેશ તેના જુના સ્થળ ગણેશગુલે થી અહી આવી વસ્યા અને ગણપતિપુળે પ્રખ્યાત યાત્રા ધામ બન્યું. જોકે ઈતિહાસ ની દ્રષ્ટી એ જોઈએ તો પશ્ચિમ દ્વાર ના દેવતા કહેવાતા ગણપતિજીનું આ મંદિર લગભગ ૪૦૦ વર્ષ જુનું છે અને છત્રપતિ શિવાજી મહારાજે આ મંદિરના ગર્ભગૃહ ની સ્થાપના કરી હતી અને સભામંડપ માધવરાવ પેશ્વા દ્વારા બનાવાયું છે. મંદિર ની વિશેષતા એ છે કે મંદિર એકદમ સમુદ્ર તટને અડી ને આવેલું છે. મંદિર ના દર્શન કરી અમે સમુદ્રતટ પર ગયા અને હળવા વરસાદ ની સાથે વાતાવરણ ના એક અનોખા જ મિજાજ નો આસ્વાદ માણ્યો અને સુર્યાસ્ત નો અદભૂત નજારો અને એ યાદગાર ક્ષણ આંખો માં ભરી રિસોર્ટ ખાતે રવાના થયા.
કોંકણ તટ પર છુપાયેલ રત્ન સમાન આ સમુદ્ર તટ શાંતિ અને પ્રકૃતિ ની સમીપ રહી રજા માણવાનું ઉત્તમ સ્થળ છે. વળી માત્ર ધાર્મિક હેતુ થી આવતા મોટા ભાગ ના પ્રવાસીઓને કારણે તેનું કુદરતી સૌંદર્ય પણ અકબંધ છે. ભૂરી ઝાંય વાળું અખૂટ પાણી ધરાવનાર અફાટ સમુદ્ર, ઉછળતા અને ઘૂઘવતા મોજાં અને દરિયાકિનારા ની સફેદ ચમકતી રેતી તમને કોઈ વિદેશના સમુદ્રતટ પર હોવાનો અનુભવ કરાવે છે, જાણે કોઈ હોલીવુડ ફિલ્મ જોતા હોવ એવું દ્રશ્ય ખુબ આકર્ષક અને મનમોહક લાગે છે. અહી રહેવા માટે ઉત્તમ પ્રકાર ના બીચ વ્યુ રિસોર્ટ આવેલા છે, જ્યાંથી ગેલેરી માં બેસી સમુદ્રને બસ જોયા જ કરવાનું અને એના ઘૂઘવતા અવાજને સાંભળ્યા કરવાનું મન થાય. ક્યાં કોન્ક્રીટ ના જંગલો ની વચ્ચે વાહનો નો શોરબકોર અને ક્યાં અખૂટ જળભંડાર ની અને હરિયાળી ટેકરીઓ ની વચ્ચે સમુદ્રીમોજા નો ઘુઘવાટ…!!!
konkan 5
ગણપતિપુળે-સ્વયમ ગણપતિને પ્રિય સમુદ્રતટ (Image source : Nakshatra Resorts)
ભીડભાડ વગરની આ જગ્યાએ વિશાળ દરિયાને તમે ખૂબ શાંત વાતાવરણ વચ્ચે માણી શકશો તેમજ પ્રત્યેક મોજા ને ભરપુર માંથી માણી શકશો. ગણપતિપુળે એવા લોકો માટે ઉત્કૃષ્ટ સ્થળ છે જેઓ વીકએન્ડમાં ફરવા સાથે આરામ પણ કરવા માગે છે. જ્યાં જ્યાં નજર ફરે ત્યાં બસ હરીયાળી જ હરિયાળી અને પાણી જ પાણી. અહી બીચ પર તમને અનેક વોટર એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ પણ ઉઠાવવા મળશે. પેરાગ્લાઇડિંગની અને મોટર ગ્લાઈડિંગની પણ સુવિધા અહી છે. અહીની નૈસર્ગિક સુંદરતા અને રમણીય સાગરતટ ની સાથોસાથ સ્વયંભુ ગણેશ નું સાયુજ્ય પ્રકૃતિપ્રેમી અને ગણેશ ભક્તોને પોતાની તરફ ખેંચે છે. બોલો હવે, રજા માણવા માટે આના થી વિશેષ સ્થળ કયું હોઈ!!! ગણપતિપુળે માં કોંકણી ભોજન તેમજ રહેણીકરણી અનુભવવા ની તક મળે છે. રહેવા માટે ના રિસોર્ટસ કોંકણી પ્રકારના બાંધકામ વાળા ઓરડાઓ ધરાવે છે, જેમાં તમને રોકવાનો આનંદ મળશે. તો અહીંની પ્રખ્યાત કેરીની રોટલી જેને આંબાપોળી કહે છે તેમજ ફણસની રોટલી જે ફણસપોળી કહેવાય છે તેના સ્વાદનો ચટાકો પણ કરી શકાય છે. તદુપરાંત અહીનું એક વિશેષ પીણું જે સોલ કઢી થી ઓળખાઈ છે તે કોકણી કોકમ કઢી ચોક્કસથી પીવા જેવું પીણું છે. જો સમુદ્રી ભોજન નો આસ્વાદ તમારી જીભને લલચાવતો હોઈ તો અહી તમને ફરવા સાથે જમવા ની પણ મજા આવે એની ગેરંટી. ગણપતિપુળે જૈવવિવિધતા માટે પણ પ્રખ્યાત છે, જેમાં સમુદ્ર કિનારે મેન્ગ્રોવ ના વૃક્ષ તેમજ હરોળબંધ નાળીયેરી જોવા મળે છે.
રાત્રે સોલ કઢી નો સ્વાદ માણી ઘૂઘવતા સમુદ્રને કિનારે ચાંદની ની ઓથે અમે એક યાદગાર દિવસ પૂરો કર્યો. સોમવારે સવારે અહી થી આજુબાજુ ની જગ્યા ઓ જોવા ઉપડ્યા. પ્રાચીન કોંકણ નામનું સંગ્રહાલય જોવાલાયક છે જે કોંકણી જીવનશૈલી તેમજ કોંકણ ના ઈતિહાસ અને પ્રકૃતિ ને ખુબ નજીક થી દર્શાવતું એક અદ્ભુત સંગ્રહાલય છે. અહી નજીક માં ઉત્તર તરફ જયગઢ કિલ્લો આવેલો છે જે દરિયા કિનારે આવેલો 16મી સદી માં બીજાપુર ના રાજા દ્વારા બાંધવામાં આવેલો કિલ્લો છે. ઇસ 1818 માં બ્રિટીશરો દ્વારા આસાની થી કબજે કરાયેલો આ કિલ્લો ભલે આજે ખંડીયેર હાલત માં હોય પણ સ્વમાનથી અરબી સમુદ્ર ની સમક્ષ ઈતિહાસ નો મુક સાક્ષી બનીને ઉભો છે. શાસ્ત્રી નદી અહી અરબી સમુદ્ર ને મળે છે જેનું વિહંગમ દ્રશ્ય જોવાલાયક છે. અહીથી બીજા કાંઠે જવા ફેરી સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અમે લોકો જુન મહિના માં ગયા હોવાથી ફેરી સર્વિસ બંધ હતી જે સામાન્યતઃ ચોમાસા ના દિવસો દરમ્યાન બંધ રહે છે કેમકે સમુદ્ર નો મિજાજ આ દિવસો માં અલગ જ હોય છે.
કોકણનો છુપો ખજાનો : વેલ્લણેશ્વર સમુદ્રતટ
ગણપતિપુળે ની નજીક ના સ્થળો માં મુખ્ય, ગણપતિપુળે જેવો જ પણ પ્રવાસીઓ અને ધંધાકીય પ્રવાસન થી સાવ અલિપ્ત એવો સમુદ્ર તટ છે : વેલ્લણેશ્વર. એકાદ કલાક ના અંતરે ઉત્તર તરફ આવેલી આ જગ્યા બિલકુલ વણખેડાયેલી તેમજ અર્વાચીન પ્રવાસન થી જોજન દુર છે. અહી તમે નીરવ શાંતિ ની સાથે સાથ સોળે કળા એ ખીલેલી પ્રકૃતિને સમીપ થી નિહાળી તેમજ માણી શકો છો. રહેવા માટે મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગ દ્વારા એક ઉંચી ટેકરી પર બાંધવામાં આવેલ રિસોર્ટ ઉત્તમ અને મોકાનું સ્થળ છે. અહી વિતાવેલી રજા નો દિવસ જીવનભર નું સંભારણું બની રહે એમાં તો નવાઈ નહિ જ, પણ વારંવાર અહી આવવા પ્રેરે એવું પ્રબળ પ્રેરકબળ બની રહે. અહીનું એક દિવસ નું રોકાણ તમને એક નવો જ જુસ્સો, નવી જ તાજગી અને નવી જ ઉર્જા પ્રદાન કરે છે. સવારે ઉઠતા વેંત સામે દેખાતો ઘૂઘવતો સમુદ્ર અહીં જ કાયમ વસવા પ્રેરે છે. કાન માં અફળાતો દરિયા નો અવાજ અને શરીર ને અથડાતો ચોમાસા નો ઠંડો પવન એક નવીજ તાજગી નો ઉમેરો કરે છે. રજા ના દિવસો માં ઘરમાં દિવસ ક્યાં પસાર થાય એવા સવાલ સાથે બેસી રહેવા કરતા અહીં બેસો તો ક્યારે દિવસ પૂરો થાય એની ખબર પણ ના પડે.
konkan 6ટેકરી પર સ્થિત MTDC રિસોર્ટના કોંકણી મકાન જ્યાંથી હરપળ દ્રશ્યમાન છે ઘૂઘવતો અરબી સમુદ્ર (Picture by : Aditya Desai)
ભીડભાડ થી દૂર અને ભરપૂર લીલીછમ વનરાજી વડે આચ્છાદિત ડુંગરો અને તેની પાછળ થી ડોકિયાં કરતો સમુદ્ર એ કેટલું સુંદર મનોરમ્ય દ્રશ્ય બની રહે એ કલ્પના ને જીવંત કરવી હોઈ તો વેલણેશ્વર એ ઉત્કૃષ્ટ સ્થળ બની રહે.
અહી મહાદેવ મંદિર પણ જોવાલાયક છે. સમય બગાડ્યા વગર મનોકામના પૂર્ણ કરતા મહાદેવ એટલે વેલ્લણેશ્વર. (વેળ=સમય) મહાદેવ નું લગભગ ૫૦૦ વર્ષ જુનું મંદિર કોંકણી શૈલી થી બંધાયેલ મંદિર છે જેના પ્રાંગણ માં આવેલ દીપસ્તંભ આકર્ષક છે.
નજીક માં આવેલુ અન્ય એક સ્થળ બામણઘાલ, ટેકરી પરના ખડક માં મોટી ફાંટ વાળી જગ્યા છે જ્યાં અંદર સુધી આવતું સમુદ્ર નું પાણી અને છેક ઉંચે ઉછળતા મોજા અનોખું દ્રશ્ય ઉત્પન્ન કરે છે.
સફેદ ચાંદી જેવી રેતી વાળા સમુદ્રતટ ગણપતિપુળે અને ખડકરહિત સોનેરી રેતી વાળા સમુદ્રતટ વેલ્લણેશ્વર ની મુલાકાત લઇ, ટૂંક સમય માં જ બીજી મુલાકાત લેવાનો વાયદો કરી, અમે વાયા ચિપલુણ, ખેડ, કશેડી ઘાટ, મહાડ, પાલી થઇ સ્વગૃહે પાછા ફર્યા. કુલ ૧૫૦૦ કિલોમીટર જેવા આ પ્રવાસ માં થાક તો દુર ની વસ્તુ છે પણ સહેજે કંટાળો આવ્યો હોય એવી કોઈ ક્ષણ પણ મને યાદ નથી. એમાં પણ વળતા પ્રવાસ માં વેલ્લણેશ્વર થી શરુ થઇ મહાડ સુધી પડેલ ધોધમાર વરસાદ અને ચારે તરફ ફૂટી નીકળેલા અસંખ્ય ઝરણાઓ એ પ્રવાસ માં ઓર સુમધુર યાદોને જોડી દીધી. ખરેખર કોંકણ વિસ્તારને કુદરતે ચોમાસા નું સ્વર્ગ બનાવી દીધું છે અને એક વખત તો અહી ની મુલાકાત લેવી જ ઘટે.
એક નજર આ તરફ:
-ટ્રેન માં ગણપતિપુળે જવા રત્નાગીરી નજીક નું મોટું મથક છે. જ્યાંથી ટેક્સી તેમજ જાહેર વાહન મળી રહે છે. વડોદરા થી જમીન માર્ગે ૭૪૦ કિલોમીટર ના અંતરે સળંગ પ્રવાસ લગભગ ૧૪-૧૫ કલાક જેવો થાય છે. તેમજ મહારાષ્ટ્ર માં ગુજરાત ની જેમ થોડા થોડા અંતરે આવતા પેટ્રોલપંપ કે હોટેલ/રેસ્ટોરંટ નથી. આથી જરૂરી વ્યવસ્થા કરીને અને યોગ્ય રીતે પ્રવાસ ની ગોઠવણ કરીને નીકળવું જેથી સમયસર જે-તે સ્થળ પર પહોચી શકાય.
-રત્નાગીરી પહેલા સંગમેશ્વર પાસે થી ગણપતિપુળે નો રસ્તો અલગ પડે છે. ઘાટ જેવો આ રસ્તો પ્રકૃતિને માણવા લાયક ખરો પણ સાંકડો અને સહેજ સુમસાન છે, અને અહી વાહનો ની ખુબ ઓછી આવનજાવન રહે છે. આથી જો સમય સાંજ નો હોઈ તો આ રસ્તે જવા કરતા સહેજ આગળ જઈ નીવાલી ગામ થી રાજ્ય ધોરીમાર્ગ ૧૦૬ પર થી વાયા ચાફે થઇ ગણપતિપુળે પહોચી શકાય. પ્રવાસ નું અંતર ૨૦ કિલોમીટર અને ૧૫ મિનીટ જેટલું વધી જાય ખરું. બાકી નો મુંબઈ થી લઇ ને ગણપતિપુળે સુધી સંપૂર્ણ રસ્તો એકદમ સરસ છે.
-ગણપતિપુળે માં રહેવા માટે ઘણી હોટેલ, રિસોર્ટ આવેલા છે. બીચ રિસોર્ટ ના સી વ્યુ રૂમ્સ આ જગ્યા નો મહત્તમ લાભ લેવા માટે ઉત્તમ છે. એમ.ટી.ડી.સી. નો ગણપતિપુળે રિસોર્ટ પ્રમાણ માં જુનો છે. માટે જો પ્રવાસન વિભાગ ના રિસોર્ટ માં રોકાવું હોય તો બને તો નવું બાંધકામ કરેલ સુપર ડીલક્ષ એ.સી. રૂમ્સ બુક કરાવવા જે સુંદર છે. વેલ્લણેશ્વર ખાતે એમ.ટી.ડી.સી. ના રિસોર્ટ અને અન્ય એક ખાનગી ઉપક્રમ સિવાય બીજી કોઈ વ્યવસ્થા નથી જેથી રહેવા જમવા ની વ્યવસ્થા કરીને ત્યાં જવું. અહીના તમામ રૂમ્સ સી વ્યુ સુવિધા સાથે છે. બંને જગ્યા માટેનું આગોતરું બુકિંગ https://mtdcrrs.maharashtratourism.gov.in/Account/Login.aspx પરથી કરાવી શકાય છે.
-૨૫ મી મે થી ૧૫ ઓક્ટોબર સુધી દરિયામાં રીપ કરંટ હોવાથી નહાવા માટે સાચવવું અને બને તો ટાળવું હિતાવહ છે. પ્રકૃતિનો અનાદર ક્યારેય ના કરવો.
-જીપીએસ યુક્ત સાધનો બરોબર ચાલે છે કે નહિ તે તપાસી લેવું અને બને તો અગાઉ થી જ નકશા ડાઉનલોડ કરી રાખવા જેથી નેટવર્ક ના હોવા છતાં રસ્તો શોધવામાં આસાની રહે.
-આ વિસ્તાર માં જાહેર વાહન વ્યવહાર નો અભાવ છે અથવા ખુબ ઓછા પ્રમાણ માં છે જેથી પોતાનું વાહન અથવા ભાડે કરેલ વાહન હોવું હિતાવહ છે.
Written By : Gujju Traveler Aditya
Reach to me: 9428880282
adityackd@gmail.com